વડોદરા, શહેરમાં વિદેશી દારૃનો જથ્થો મોટાપાયે સપ્લાય કરતી બિશ્નોઇ ગેંગના સાગરીતોને અટલાદરા ઝડપી પાડયા હતા.આ ગેંગનો સૂત્રધાર અગાઉ પણ વડોદરામાં પકડાયો હતો. તે સમયે ૨૫ જેટલા આરોપીઓના નામ ખૂલ્યા હતા. તાજેતરમાં પકડાયેલા આરોપીઓ પાસેથી અગાઉના આરોપીઓએ દારૃ લીધો હોવાની શંકા સેવાઇ રહી છે.
અટલાદરા પોલીસે મળેલી માહિતીના આધારે બિલ કલાલી રોડ પરથી બિશ્નોઇ ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડયા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, અમે ઘેવર બિશ્નોઇના માણસો છીએ અને અમને પગાર પર કામે રાખ્યા છે. વિદેશી દારૃ રાખવા માટે ભાયલી ખાતે સમન્વય વેસ્ટ ફિલ્ડ નામના ફ્લેટની નીચે ગોડાઉન પણ ભાડે રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘેવર બિશ્નોઇ વડોદરામાં અગાઉ અલગ – અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૃના ગુનામાં પકડાયો છે. તે સમયે પોલીસની તપાસમાં વડોદરામાં દારૃનું વેચાણ કરતા બૂટલેગરોના નામો ખૂલ્યા હતા. ૨૫ થી વધુ બૂટલેગરોને આ ગુનામાં પકડવામાં આવ્યા હતા. હાલમાં આરોપીઓ છેલ્લા ૧૦ દિવસથી વડોદરામાં રહી રહ્યા છે. પોલીસે તેઓની પાસેથી પીકઅપ વાન પણ કબજે કરી છે.ત્યારે આરોપીઓએ વડોદરામાં દારૃ સપ્લાય કર્યો હોવાની શંકા મજબૂત છે. અગાઉ ઘેવર બિશ્નોઇ પાસેથી દારૃ ખરીદનાર બૂટલગરોની ત્યાં તપાસ થાય અને પૂછપરછ થાય તો વધુ વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.