પાણીગેટ પોલીસના કબજામાં કોમલ અને સંગીતા |
વડોદરા : જાણીતા ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પુરૃષોત્તમ મુરજાણીના આપઘાત કેસમાં વડોદરા પોલીસે આખરે મુરજાણીની માનેલી દીકરી અને તેની માની ભાવનગર નજીક આવેલા રંઘોળા ગામેથી ધરપકડ કરી લીધી છે. આ બન્ને આરોપીઓને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેની સામે કોર્ટે ચાર દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા છે.
પુરૃષોત્તમ મુરજાણીએ ગત તા.૮ નવેમ્બર, શુક્રવારના રોજ પોતાના જ ઘરમાં રાતના ૮ વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પાણીગેટ પી.આઇ. હરિત શુક્લ અને તેની ટીમે માત્ર ત્રણ દિવસના ગાળામાં ટેકનોલોજી સર્વેલન્સ અને બાતમીદારોનો ઉપયોગ કરીને આરોપી એવી મા દીકરી કોમલ અને સંગીતાને ઝડપી પાડી છે. બન્ને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટેના કારણો રજૂ કર્યા હતા કે
(૧) મુરજાણીના આપઘાત બાદ કોમલ અને તેની માતા સંગીતા સિકલીગર વડોદરા છોડીને ભાગતા ફરતા હતા. તે બન્ને આ ૪ દિવસ દરમિયાન ક્યા ક્યા શહેરમાં અને કોને ત્યાં આશરો લીધો હતો અને બન્નેને આર્થિક મદદ કોણે કરી ? (૨) કોમલ અને સંગીતા વડોદરાથી ભાગી ત્યારે ક્યા વાહનોનો ઉપયોગ કર્યો હતો અને આ દરમિયાન તેની સાથે કોઇ હતુ કે નહી તે અંગે તપાસ કરવાની છે. (૩) મુરજાણીએ આપઘાત કરતા પહેલા લખેલી નોટ પ્રમાણે ડભાસા ખાતે સોમનાથ પેટ્રોલ પંપ જે જમીન ઉપર છે જે જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લેવા કોમલે બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને બન્ને મા દીકરીએ મળીને ઘરમાં અને ક્રેટા કારમાં મુરજાણીને ગાળો આપીને મારઝૂડ કરી હતી. આ બનાવની તપાસ કરવાની બાકી છે.
મુરજાણી સાથે સંગીતા અને કોમલ |
(૪) મુરજાણીએ જીવનનો અંત આણતા પહેલા સ્યૂસાઇડ નોટ લખી હતી તેને ગંભીરતાથી લઇને બન્ને મા દીકરીઓએ આપઘાત માટે દુષ્પ્રેરણા આપી હોવાની શંકા છે, જે બાબતે તપાસ કરવાની છે. ઉપરાંત, આ કેસમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહી તે અંગે પણ તપાસ કરવાની છે.(૫) કોમલ અને સંગીતાના બેન્ક એકાઉન્ટ અને તમાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની છે, બન્નેના મોબાઇલની કોલ ડીટેઇલ મેળવવાની છે.