વડોદરાઃ ગુજરાતના ૯૦ ટકા જેટલા એમએસએમઈ( માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) ઉદ્યોગોમાં પેટન્ટ, ટ્રેડ માર્ક, બ્રાન્ડિંગને લઈને જાગૃતિનો અભાવ અને ઉદાસીનતા છે.ગુજરાતના ઉદ્યોગોએ પોતાની બ્રાન્ડ વિકસાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ તેમ એમએસએમઈ ઉદ્યોગો માટેની સંસ્થા ઈન્ડિયન એસએમઈ ફોરમના પ્રમુખ વિનોદ કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.
વડોદરામાં ઈન્ડિયન એસએમઈના ગુજરાત ચેપ્ટર દ્વારા ભારત ઈન્ટેલક્ચ્યુઅલ પ્રોપર્ટી યાત્રા ..શિર્ષક હેઠળ ઉદ્યોગો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાજર રહેલા વિનોદ કુમારે કહ્યું હતું કે, ગુજરાતમાં ૨૩ લાખ એમએસએમઈ ઉદ્યોગો છે.જેમની પાસે આગવી બ્રાન્ડ ઉભી કરવાની ભરપૂર ક્ષમતા છે.બ્રાન્ડ ઉભી કરવા માટે પેટન્ટ અને ટ્રેડ માર્ક ફાઈલ કરવા પડે છે. પ્રોડકટને બ્રાન્ડ બનાવવાના કારણે ઉદ્યોગની વેલ્યૂ ટર્ન ઓવર કરતા ૧૦ ગણી વધી જતી હોય છે અને તેનો સીધો ફાયદો બિઝનેસને મળે છે.જેનાથી વધારે લોકોને રોજગારી પણ આપી શકાય છે.તેની જગ્યાએ ગુજરાતના મોટાભાગના ઉદ્યોગો મેન્યુફેકચરિંગ કરીને, બીજાને પ્રોડક્ટસ બનાવીને સપ્લાય કરીને અને ટર્ન ઓવર વધારવાનો ટાર્ગેટ પૂરો કરીને સંતોષ માને છે.પેટન્ટ અને ટ્રેડ માર્ક બાબતે દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ઉદ્યોગો ગુજરાત કરતા ઘણા આગળ છે.
ઈન્ડિયા એસએમઈ ફોરમના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ નિલેશ શુકલનું કહેવું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાના અને મધ્યમકદના ઉદ્યોગો માટે ઘણી યોજનાઓઅમલમાં મૂકવામાં આવી છે.આજના કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગે ઉદ્યોગોના પ્રતિનિધિઓને સબંધિત સરકારી એજન્સીઓના અધિકારીઓ દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
એક વર્ષમાં ૧.૩૦ લાખ જેટલી પેટન્ટ ફાઈલ થઈ
ઈન્ડિયા એસએમઈના સેક્રેટરી જનરલ સુષ્મા મોરથાનિયાએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી પેટન્ટ અને ટ્રેડ માર્ક પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે ઉદ્યોગોમાં જાગૃતિ આવી રહી છે.છેલ્લા બે વર્ષથી પેટન્ટઅને ટ્રેડ માર્કનું રજિસ્ટ્રેશન બમણું થઈ ગયું છે.ગત વર્ષે જ ૧.૩૦ લાખ પેટન્ટ ભારતમાં ફાઈલ થઈ હતી અને તેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો પણ મહત્વનો ફાળો હતો.