Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌપ્રથમ બનેલા લાલબાગ સ્વિમિંગ પૂલની એન્યુઅલ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતા હાલ સ્વિમિંગ પૂલમાં પાણી ભરવાનું ચાલુ કરાયું છે, અને એક અઠવાડિયામાં શરૂ થઈ જશે.
વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પૂલ 1974 માં બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પૂલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગનું કામ હાથ પર લેવાનું હતું ,પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા તા.1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી. જેમાં ફિલ્ટરની સફાઈ, ક્લોરીનેશનની ટેકનિકલ કામગીરી, હોજની સફાઈ કરવામાં આવી હતી. હોજમાં 45000 લિટર પાણી ભરવામાં આવે છે. સ્વિમિંગ પૂલ ચાલુ થાય ત્યારે દરરોજ પાણીનું ક્લોરીનેશન અને ફિલ્ટરેશન કરવામાં આવે છે. હાલ પાણી ભરવાનું ચાલુ છે, અને અડધું ભરાઈ ચૂક્યું છે. આ સ્વિમિંગ પૂલ ખાતે 345 લાઈફ મેમ્બર છે, અને દસ વર્ષની મેમ્બરશીપ ધરાવતા 200થી વધુ તરવૈયા છે. ઉનાળાને ધ્યાનમાં રાખીને પણ સ્વિમિંગ માટે લોકોનો ધસારો ભારે રહે છે. ઘસારાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ માટે શિફ્ટ ગોઠવવામાં આવે છે. કોર્પોરેશનના આ સિવાય કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ હાલમાં ચાલુ છે.