બે શંકાસ્પદ માર્કશીટ મળતા કોલેજમાં જઇને વેરિફિકેશન કરવામાં આવશે
Updated: Dec 16th, 2023
વડોદરા,વિઝા માટે ડૂપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સીઆઇડી ક્રાઇમની ટીમે ગેંડા સર્કલ પાસે આવેલી ઓફિસમાં સર્ચ કરી હતી. સર્ચ દરમિયાન મળેલા લેપટોપ અને કોમ્પ્યુટર તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવશે. જોકે, હજી કોઇ ગુનાઇત દસ્તાવેજ ઓફિસમાંથી મળ્યો નથી.
સ્ટુડન્ટ, ટુરિસ્ટ અને વર્ક પરમિટના વિઝા મેળવવા માટે અરજદારની જાણ બહાર કેટલીક વખત બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી પૈસા પડાવવામાં આવતા હતા. ભેજાબાજો દ્વારા બોગસ ઓફર લેટર પણ આપવામાં આવતા હતા. જે અંગેની ઢગલાબંધ ફરિયાદો મળતા સી.આઇ.ડી.ક્રાઇમ દ્વારા વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર ખાતે ૧૭ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરામાં ઇન્ચાર્જ ડીવાય.એસ.પી. એચ.એમ.ચૌહાણની ટીમ દ્વારા ગેંડા સર્કસ પ ાસે આવેલી માઇગ્રેશન ઓવરસિઝ નામની વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં પોલીસે દસ્તાવેજો કબજે લીધા હતા. તેની ઝીણવટભરી ચકાસણીમાં બે થી ત્રણ દિવસ થશે. તેવું જાણવા મળ્યું છે. ઓફિસમાંથી પોલીસની ટીમને બે માર્કશીટ મળી આવી છે. કોલેજની આ માર્કશીટ શંકાસ્પદ જણાતા કોલેજના સ્થળે જઇને તપાસ કરવામાં આવશે.