Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં ડો.વિજય શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ ડો.શ્રીવાસ્તવને રાજીનામુ ધરી દેવું પડયું હતું અને સરકારના શિક્ષણ વિભાગની પણ આ મુદ્દે શૈક્ષણિક આલમમાં ભારે ટીકાઓ થઈ હતી. હવે નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે સર્ચ કમિટિ દ્વારા કાર્યવાહી થઈ રહી છે ત્યારે સરકારના શિક્ષણ વિભાગે પણ સર્ચ કમિટિના ચેરમેનને પત્ર લખ્યો છે.
શિક્ષણ વિભાગના નાયબ સચિવે તા.7 માર્ચે લખેલા પત્રમાં કહ્યું છે કે, વાઈસ ચાન્સેલર તરીકેના ઉમેદવારની લાયકાત અને અનુભવના સંદર્ભમાં યુજીસીના 2018નો નિયમ અને ગુજરાતના કોમન યુનિવર્સિટી એકટની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને જો જોગવાઈના અર્થઘટનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો શિક્ષણ વિભાગ અને યુજીસીનો અભિપ્રાય મેળવીને જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
સરકારે અંગેની જાણકારી હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવી છે. જે પ્રમાણે સર્ચ કમિટિના ચેરમેને શિક્ષણ વિભાગના પત્ર પહેલા જ તા.18 ફેબ્રુઆરીએ યુજીસીને ઈ-મેઈલ પાઠવીને વાઈસ ચાન્સેલરની નિમણૂક અંગેના નિયમોની સ્પષ્ટતા માગી હતી. યુજીસીએ પણ તેનો જવાબ તા.28 ફેબ્રુઆરીએ આપીને કહ્યું હતું કે, 2018ના નિયમ અનુસાર વાઈસ ચાન્સેલરના ઉમેદવાર શૈક્ષણિક ક્ષેત્રમાં નામના ધરાવતા હોવાની સાથે તેમની પાસે પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો પ્રતિષ્ઠિત રિસર્ચ ઈન્સ્ટિટયુટ કે એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઈઝેશનમાં 10 વર્ષના નેતૃત્વનો અનુભવ હોવો જોઈએ.
સર્ચ કમિટિ પાસે હવે સ્પષ્ટ ગાઈડલાઈન છે
યુનિવર્સિટી વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે યુજીસીએ વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે જે અભિપ્રાય આપ્યો છે તે બાદ હવે આગામી વાઈસ ચાન્સેલર તરીકે પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર કે પછી રાષ્ટ્રીય સ્તરના રિસર્ચ ઈન્સ્ટિટયુટ કે પછી યુજીસી જેવી સંસ્થાઓમાં કામ કરી રહેલા અથવા કરી ચુકેલા વ્યક્તિઓમાંથી જ કોઈની ભલામણ સર્ચ કમિટિએ સરકારને કરવી પડશે.
ઉપરાંત ગત સર્ચ કમિટિએ કરેલી ભૂલનું પુનરાવર્તન ના થાય તે માટે વર્તમાન સર્ચ કમિટિએ ઉમેદવારોએ બાયોડેટામાં આપેલી જાણકારીના પૂરાવા પણ તપાસવા જોઈએ તેવું મંતવ્ય પણ વ્યક્ત થઈ રહ્યું છે.