Updated: Dec 8th, 2023
વડોદરાઃ શહેરમાં વાહનો પર સ્ટન્ટ કરી તેમજ બેફામ રીતે વાહનો ચલાવી ભયનો માહોલ સર્જતા તત્વોને સાંખી નહિં લેવા માટે પોલીસ કમિશનરે જણાવ્યું છે અને આવા બેદરકાર વાહનચાલકોના તાકિદે લાયસન્સ રદ કરવા માટે તજવીજ કરાશે તેમ કહ્યું છે.
વડોદરામાં જુદાજુદા માર્ગો પર બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવાના તેમજ ધૂમ સ્ટાઇલથી વાહનો ચલાવવાના બનાવો બનતા હોય છે.જેને કારણે સામાન્ય વાહનચાલકો તેમજ રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાતી હોય છે.
તાજેતરમાં ન્યુ વીઆઇપી રોડ પર યુવતીને બાઇકની આગળ પોતાના મોં તરફ બેસાડી સ્ટન્ટ કરનાર યુવકને હરણી પોલીસે શોધી કાઢી ધરપકડ કરી હતી.જ્યારે,બે દિવસ પહેલાં કમાટીબાગ રોડ પર બે બાઇકર્સ જોવા મળતાં સયાજીગંજ પોલીસે બંને સામે કાર્યવાહી કરી હતી.એક બાઇકર્સ સગીર હોવાથી તેને બાઇક આપનારની ધરપકડ કરાઇ હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે કહ્યું છે હતું કે,લોકોમાં ભય સર્જતા તત્વોને કોઇ પણ સંજોગે સાંખી નહિં લેવાય.આવા વાહનચાલકો સામે આઇપીસી અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવતા હોય છે.પરંતુ હવેથી તેમના લાયસન્સ તાત્કાલિકરદ કરવામાં આવે તે માટે આરટીઓને ભલામણ કરવામાં આવશે.