વડોદરા, તા.25 વડોદરા નજીક ભાયલી ખાતે નવરચના સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મોકલવાના બનાવની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇ અન્ય એજન્સીને સોંપવામાં આવી શકે છે જ્યારે આ ઇમેલ સાથે મલેશિયા કનેક્શન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નવરચના સ્કૂલ ભાયલી ખાતેના પ્રિન્સિપાલ કાશ્મીરા જયસ્વાલના ઇમેલ આઇડી પર ગઇકાલે મળસ્કે પોણા ચારની આસપાસ એક ઇમેલ આવ્યો હતો અને સ્કૂલ તેમજ યુનિવર્સિટીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અફરાતફરી મચી ગઇ હતી. જિલ્લા પોલીસનાં કાફલાએ વ્યાપક ચેકિંગ કર્યા બાદ કશું નહી મળતા તંત્રએ રાહત અનુભવી હતી. દરમિયાન આ અંગે ઇન્દ્રવદન પરસોત્તમદાસ જોષીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસ ઉપરાંત સાયબર ક્રાઇમ તેમજ જિલ્લાની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસમાં પ્રાથમિક વિગત બહાર આવી હતી કે જે ઇમેલ છે તેનું એડ્રેસ જોતા મલેશિયા કનેક્શન હોવાનું મનાય છે. જો કે જે સર્વરથી ઇમેલ થયો હતો તે સર્વર ટ્રેક થઇ શકતું નથી કારણ કે ધમકી આપનારાએ ડાર્ક વેબનું ઉપયોગ કર્યો છે. સ્થાનિક પોલીસે આજે શાળાના ૧૦ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે નવરચના સ્કૂલને મળેલી ધમકીની તપાસ તાલુકા પોલીસ પાસેથી લઇને સાયબર ક્રાઇમ અથવા એસઓજી તેમજ અન્ય એજન્સીને સોંપી શકાય તેમ છે. આ જ પ્રકારનો ઇમેલ થોડા દિવસો પહેલાં તામિલનાડુની સ્કૂલોને પણ મળ્યો હતો.