Vadodara : વડોદરાના ભૂતડીઝાપાથી કારેલીબાગ પાણીની ટાંકી રોડ પરથી પસાર થતી પાલિકા દબાણ શાખાની ગાડી પસાર થતી હતી ત્યારે આધેડ બાઈક ચાલક ગાડીમાં ઘૂસી જતા ગંભીર રીતે ઘવાયા હતા અને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઇજાગ્રસ્ત બાઈક ચાલક આધેડની હાલત ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે ભૂતડીઝાપાથી કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ રસ્તાની એક બાજુએ વાહન વ્યવહાર યથાવત રાખી બીજી બાજુ બંધ કરી દેવાઇ છે. આજે સવારે ભૂતડીઝાપાથી પાલિકા દબાણ શાખાની ગાડી કારેલીબાગ તરફ જતી હતી ત્યારે પાણીની ટાંકી નજીક આધેડ બાઈક ચાલક દબાણ શાખાની ગાડી પાસેથી જતા હતા ત્યારે તેમની કોઈ ચીજ નીચે પડી જતા તેઓએ બાઈક ઉભી રાખી હતી. જેથી પાછળથી આવેલી પાલિકા દબાણ શાખાની ગાડી ઘૂસી ગઈ હતી. પરિણામે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત આધેડને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે કારેલીબાગ પોલીસે પાલિકા દબાણ શાખાની ગાડીને અને તેના ડ્રાઇવરને કારેલીબાગ પોલીસ સ્ટેશને લઈ જઇ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.