Updated: Dec 21st, 2023
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગ દ્વારા મિલેટસ તરીકે ઓળખાતા બરછટ ધાન્ય જેવા કે રાગી, જુઆર, બાજરા, કોદરી અંગે એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કોન્ફરન્સમાં મેંગ્લોર સ્થિત સત્ય સાંઈબાબા આશ્રમ સાથે જોડાયેલા સત્ય સાંઈ અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી આનંદ કુમાર કદાલી પણ હાજર રહ્યા હતા.દેશના તમામ રાજ્યોમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં બાળકોની મધ્યાહન ભોજન યોજના પર સરકારોનુ ધ્યાન કેન્દ્રીત છે ત્યારે અન્નપૂર્ણા ટ્રસ્ટ બાળકોને સવારે નાસ્તામાં પોષક આહાર મળે તેના પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
ટ્રસ્ટી આનંદ કુમારે કહ્યુ હતુ કે, ભારતમાં ધો.૧ થી ૧૦માં ૨૫ કરોડ બાળકો અભ્યાસ કરે છે.આ પૈકીના લગભગ ૧૬ કરોડ બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે અને તે પૈકીના આઠ કરોડ બાળકો રોજ સવારે ભૂખ્યા પેટે સ્કૂલમાં ભણવા જાય છે.તેમને ઘરે તો સવારનો નાસ્તો મળતો હોતો નથી અને સવારનો બ્રેકફાસ્ટ સ્વાસ્થ્ય માટે અને શરીરના પોષણ માટે સૌથી જરુરી હોય છે.આ બાળકો માટે મિલેટસ આશીર્વાદરુપ બની રહ્યુ છે.અમારી સંસ્થા ભારતના ૨૩ રાજ્યોમાં ૩૦ લાખ બાળકોને સરકારી સ્કૂલોમાં સવારે રાગીમાંથી બનેલુ હેલ્થ ડ્રીન્ક બ્રેકફાસ્ટ તરીકે આપે છે.રાગીમાં અમે જરુરી મિનરલ્સ અને વિટામિન પણ ઉમેરવામાં આવે છે.દરેક બાળક દીઠ આ હેલ્થ ડ્રીન્કનો રોજનો ખર્ચ માત્ર બે રુપિયા આવે છે.
આનંદ કુમારનુ કહેવુ હતુ કે, જો આ યોજના તમામ બાળકો સુધી પહોંચે તો દેશમાં કુપોષણની સમસ્યા હલ થઈ શકે છે.જેમ કે દેશમાં બાળકીઓમાં લોહીની ઉણપ મિલેટ આધારિત હેલ્થ ડ્રિન્કથી દૂર કરી શકાય છે અને અમે જે બાળકોને છેલ્લા ૧૦ વર્ષથી આ ડ્રિન્ક આપી રહ્યા છે તેમના આરોગ્યમાં સુધારો પણ જોવા મળ્યો છે.બાળકોનુ સ્વાસ્થ્ય નાનપણથી સારુ હશે તો આગળ જતા સરકારના હેલ્થ બજેટમાં પણ કરોડો રુપિયાની બચત પણ થઈ શકે છે.
આનંદકુમારની સાથે તેમના પત્ની પણ આ પ્રોજેકટ સાથે સંકળાયેલા છે.તેઓ કહે છે કે, દસ વર્ષ પહેલા અમે ૫૦ વિદ્યાર્થીઓ માટે પ્રોજેકટની અમારા ઘરથી શરુઆત કરી હતી.એ પછી સત્ય સાંઈ બાબાના આશ્રમ સાથે જોડાઈને આ યોજનાને અમે વ્યાપક બનાવી હતી.બહુ ટુંક સમયમાં અમે આ યોજનામાં એક કરોડ બાળકોને જોડવાના છે.
ગુજરાતમાં બે જગ્યાએ પાયલોટ પ્રોજેકટ ચાલી રહ્યો છે
આનંદ કુમારે કહ્યુ હતુ કે, સ્કૂલોમાં સવારે બાળકોને નાસ્તો આપવાના પ્રોજેકટ માટે અમે ગુજરાત સરકાર સાથે પણ એમઓયુ કર્યુ છે અને તેના ભાગરુપે ગુજરાતમાં ધોળકા તથા ભાવનગરની સરકારી સ્કૂલોમાં બાળકોને મિલેટસ આધારિત હેલ્થ ડ્રિન્ક નાસ્તામાં આપવાનો પાયલોટ પ્રોજેકટ ચાલી રહ્યો છે.અમારા આગામી લક્ષ્ય ગુજરાતમાં જ્યાં કુપોષણ વધારે છે તેવા જિલ્લામાં આ પ્રોજેકટનુ વિસ્તરણ કરવાનુ છે.આ માટે અમે દાતાઓ તેમજ ઉદ્યોગોની સીએસઆર એક્ટિવિટી હેઠળ મદદ મળે તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે.શક્ય હશે તો અમે ગુજરાતની સરકારી સ્કૂલોમાં ભણતા ૭૫ લાખ બાળકો સુધી આ પ્રોજેકટ પહોંચાડીશું.ગુજરાતમાં રાગીની જગ્યાએ બાજરા આધારિત હેલ્થ ડ્રિન્ક આપી શકાય છે.કારણકે અહીંયા બાજરાનુ ઉત્પાદન મોટા પાયે થાય છે.