વડોદરા, તા.26 રાજ્ય સરકારે ૧૪ વર્ષ બાદ અમલમાં આવનારી નવી જંત્રીની પૂર્વ તૈયારીના ભાગરૃપે મુસદ્દારૃપ જંત્રી જાહેર કરી છે. વૈજ્ઞાાનિક સર્વે કરીને તૈયાર કરવામાં આવેલી આ જંત્રીમાં અનેક ખામીઓ બહાર આવી છે. વડોદરામાં પશ્ચિમના વિકસિત વિસ્તારોમાં જેમ રોડ સાંકડા તેમ જંત્રીની કિંમત વધતી જાય છે અને પહોળા રોડ પરની જંત્રી ઘટી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ જંત્રીના નવા ડ્રાફ્ટ દરોમાં ૨૦૦થી ૨૦૦૦ ટકા જેટલો જંગી વધારો કરી દેવામાં આવ્યો છે. આ વધારાથી આગામી દિવસોમાં મિલકત તેમજ જમીન ખરીદવાનું મોંઘું પડશે તે નિશ્ચિત છે. સરકાર દ્વારા તા.૨૦ ડિસેમ્બર સુધી લોકો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા છે. સરકારે નવી જંત્રીના દરો જાહેર કરતાં જ તેનો અભ્યાસ લોકો કરી રહ્યા છે અને નવી જંત્રીમાં રહેલી અનેક ખામીઓને ઉજાગર કરવામાં આવી છે.
વડોદરાના વિવિધ વિસ્તારો માટે નક્કી કરવામાં આવેલ જંત્રીના દરોમાં અનેક વિરોધાભાસ જણાય છે. વૈજ્ઞાાનિક સર્વે કરીને જંત્રી તૈયાર કરવામાં આવી છે તેવા દાવા કરવા છતાં મોટી મોટી ભૂલો બહાર આવી રહી છે. શહેરના જૂના પાદરારોડ વિસ્તારમાં મુખ્ય રોડ પરની મિલકતોની જંત્રી કરતા આંતરિક નાના રોડ પરની મિલકતોની જંત્રી વધારે હોવા મુદ્દે ભારે હોહા થઇ છે ત્યારે શહેરના સૌથી વિકસિત એવા પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ પણ જંત્રીની ભૂલો બહાર આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર જે.પી. રોડ જ નહી પરંતુ અટલાદરા, તાંદલજા, સેવાસી, બીલ, ખાનપુર-સેવાસી, ભાયલીમાં અનેક ફાઇનલ ટીપી સ્કીમોમાં પહોળા રસ્તાની મિલકતની ઓછી જંત્રી જ્યારે સાંકળા રસ્તાની જંત્રીમાં ઊંચી જંત્રી સૂચવવામાં આવી છે. આ જંત્રીના દરોથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. નવી સૂચિત જંત્રીમાં અનેક સ્થળોએ કોમર્શિયલ મિલકતોની જંત્રી કરતા પણ વધુ રહેણાંક વિસ્તારની મિલકતોની જંત્રીના દરો છે.