વડોદરાઃ રાજ્ય સરકારના જીકાસ (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ પર રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશન આગામી દિવસોમાં શરુ થવાના છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ પણ તેના માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી છે.
મળતી વિગતો પ્રમાણે ત્રણ દિવસ અગાઉ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને બીજા અધિકારીઓની હાજરીમાં વિવિધ ફેકલ્ટીઓના ડીનની એક બેઠક બોલાવવામાં આવી હતી અને અઢી કલાક ચાલેલી બેઠકમાં ઉપરોક્ત બાબતે ચર્ચા થઈ હતી.
ગત વર્ષે એમ.એસ.યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એક સર્વસામાન્ય ફરિયાદ હતી કે, જીકાસ પોર્ટલના કારણે એડમિશન ઓછા થયા છે.આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવામાં તકલીફ ના પડે તે માટે તમામ ફેકલ્ટીમાં હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવશે.લગભગ ૧૦૦ જેટલા અધ્યાપકોને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની ફરજ સોંપાશે.
ઉપરાંત સરકારની સૂચના અનુસાર તમામ ફેકલ્ટીઓને જે કોર્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ થકી પ્રવેશ અપાય છે તેમાં એન્ટ્રન્સ ટેસ્ટ આ વર્ષે વહેલા લેવાની પણ સૂચના આપવામાં આવી છે.ઉપરાંત આવા કોર્સમાં પરીક્ષા પણ વહેલી પૂર્ણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, કોમન યુનિવર્સિટી એકટ અમલમાં આવ્યા બાદ સરકારના શિક્ષણ વિભાગે ગત વર્ષથી જીકાસ પોર્ટલ પર તમામ સરકારી યુનિવર્સિટીઓની પ્રવેશ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.