વડોદરા,કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ મૂરજાણીને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર તેમની માનેલી દીકરી કોમલ અને તેની માતાએ ગુનામાં વાપરેલી બે કાર પોલીસે કબજે કરી છે. જ્યારે મા – દીકરીના મોબાઇલ ફોનની પણ ચકાસણી હાથ ધરી છે. બંનેએ મોબાઇલ ફોનમાંથી ડિલિટ કરેલા મેસેજ રિકવર કરવા માટે પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધી છે.
વાઘોડિયા રોડ નારાયણ ડૂપ્લેક્સમાં રહેતા ગ્રાહક સુરક્ષાના અગ્રણી પી.વી. મૂરજાણીએ ગત ૮ મી તારીખે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે મૂરજાણીની માનેલી દીકરી કોમલ અને કોમલની માતા સંગીતા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી હતી. ગુનાના વધુ પુરાવાઓ એકત્રિત કરવા તથા વધુ તપાસ માટે પોલીસે બંનેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, પકડાઇ જવાના ડરથી મા – દીકરીએ પોતાની કાર શહેર નજીકના ગંભીરા ગામે છોડી દીધી હતી. ત્યારબાદ તેમના પેટ્રોલપંપ પર કામ કરતા યુવકની ઇકો કાર તેઓએ મંગાવી હતી. ઇકો કારમાં બેસીને મા – દીકરી ભાવનગર પહોંચ્યા હતા. આ કાર પોલીસે કબજે કરી છે. જ્યારે મૂરજાણીના આપઘાત પહેલા કોમલે પોતાની કારમાં મૂરજાણી સાથે મારામારી કરી હતી. તેમજ મા – દીકરી બંને તે કારમાં જ ભાગ્યા હતા. પોલીસે કોમલની કાર પણ કબજે કરી છે. જ્યારે કોમલના ઘર પાસે પાર્કિંગમાં પડેલી મર્સિડિઝ કાર મૂરજાણીના પત્નીને સોંપવામાં આવશે.
પી.આઇ. એચ.એમ. વ્યાસે હાથ ધરેલી તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, કોમલ અને તેની માતા સંગીતાએ પોતના મોબાઇલ ફોનમાંથી અમુક મેસેજ ડિલિટ કરી નાંખ્યા છે. તે મેસેજ રિકવર કરવા માટે પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધી છે. પોલીસ દ્વારા મૂરજાણી આપઘાત કેસમાં સામેલ મા – દીકરી વિરૃદ્ધ પુરાવાઓ એકત્રિત કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.