વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારની ચાડી મ્યુઝિક કોલેજ (ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ)માં ૧૭ વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગ ખાઇ રહી છે.૧૭ વર્ષમાં જ આ બિલ્ડિંગ ખખડધજ બની ગયુ છે અને કોઇ પણ સમયે પડે તેવી સ્થિતિ છે. આ બાબતે છેલ્લા બે ત્રણ વર્ષથી યુનિવર્સિટી સત્તાધિશોને રજૂઆત કરાઇ હોવા છતાં તંત્ર કોઇ મોટા અકસ્માતની રાહ જોઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે.
કલાનગરીના ભાવી કલાકારો ઉપર જીવનુ જોખમ
મ્યુઝિક કોલેજના વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે ગાયકવાડ સરકારના સમયમાં ૧૭૫ વર્ષ પહેલા બનેલી મ્યુઝિક કોલેજની ઐતિહાસીક અને હેરિટેજ ઇમારત આજે પણ અડીખમ છે પરંતુ ૨૦ વર્ષ પહેલા બનેલી ઇમારત જર્જરીત થઇ ગઇ છે. જુની ઇમારતમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્લાસરૃની ઘટ સર્જાતા ૨૦ વર્ષ પહેલા બે માળની નવી ઇમારત બનાવવામાં આવી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં મળીને ચાર ક્લાસરૃમ છે.
ચાર ક્લાસરૃમમાં નૃત્ય, ગાયન અને વાદ્ય વિભાગના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. આ ઇમારતની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઇ છે. પીલર ખવાઇ ગયા છે. પોપડા ખરી રહ્યા છે. જો અકસ્માત સર્જાય તો ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ હોવા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવતો નથી. આ સ્થિતિ જોઇને વાલીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો જર્જરીત બિલ્ડિંગ મામલે ટુંક સમયમાં નિર્ણય નહી લેવાય તો વાલીઓ અને વિદ્યાર્થીઓ મળીને યુનિવર્સિટી સત્તાધિશો સામે આંદોલનના મંડાણ કરશે.