વડોદરા,વાડીમાં મોબાઇલ ફોન પર ગીતો વગાડવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. વાડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાડી ગોયાગેટ વણકર વાસમાં રહેતા ઇલાબેન વિજયભાઇ મકવાણા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઈકાલે બપોરે હું મોબાઇલ ફોનમાં ગીતો વગાડતી હતી. અમારા પાડોશી મધુબેન ચંદુભાઇ પરમાર તથા ચંદુભાઇ મગનભાઇ પરમારે ઝઘડો કર્યો હતો. મધુબેને મને વાળ પકડીને પછાડી નાંખી હતી. મધુબેન તેના પતિ ચંદુભાઇ તથા અન્યએ આવીને ઝઘડો કર્યો હતા. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે મધુબેને ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિ રિક્ષા લઇને સિટિમાં જવાની તૈયારી કરતા હતા. ત્યારે પાડોશમાં રહેતા ઇલાબેન મોબાઇલમાં જોરજોરથી ગીતો વગાડતા હતા અનેગીતો ગાતા હતા. હું ઇલાબેનને કહેવા જતા તેમણે તથા તેમના પરિવારજનોએ અમારી સાથે ઝઘડો કર્યો હતો. મને વાળ પકડી પછાડી દીધી હતી. મારા પતિના માથામાં લોખંડની પાઇપ મારી દીધી હતી.