માર્ગ અને મકાન વિભાગના કારણે અધિકારીઓ, કર્મચારીઓને અન્ય સ્થળે બેસવાની ફરજ ઃ વીજપુરવઠો પણ ચાલુ કરાતો નથી
Updated: Jan 1st, 2024
વડોદરા, તા.1 વડોદરાની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી જૂની કોઠી કચેરીમાં લાગેલી આગ બાદ સ્થિતિ હજી જૈસે થે છે. જે ઓફિસમાં સૌથી વધુ નુકસાન થયું તે જમીન સંપાદનની કચેરીમાં કામકાજ અને લાઇટ પણ ચાલુ થઇ ગઇ છે જ્યારે જિલ્લા પોલીસની અન્ય કચેરીઓ એસઓજી, એકાઉન્ટ અને એમઓબી(મોડસ ઓપરેન્ડિવ બ્રાંચ) શાખા હજી પણ અંધારામાં છે.
ઉલ્લેખનીય છે કે જૂની કોઠી કચેરીમાં તા.૧૩ ઓક્ટોબરના રોજ લાગેલી ભીષણ આગમાં ખાસ જમીન સંપાદન અને મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીનો કેટલોક રેકર્ડ નાશ પામ્યો હતો. આગ લાગવાની ઘટના બાદ જમીન સંપાદન, મધ્યાહ્ન ભોજન યોજના તેમજ બીજા માળે આવેલી જિલ્લા પોલીસની ત્રણ કચેરીના વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતાં. આગના બનાવને દોઢ મહિનાથી પણ વધારે સમય થઇ ગયો છતાં હજી સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી નહી કરાતા અસરગ્રસ્ત કચેરીઓમાં જીવના જોખમે લોકો કામ કરી રહ્યા છે.
મહત્વની બાબત એ છે કે જે કચેરીને સૌથી વધારે અસર થઇ હતી તે જમીન સંપાદનની કચેરીમાં લાઇટ કનેક્શન સાથે તે જ સ્થળે શરૃ કરી દેવામાં આવી છે જ્યારે અન્ય કચેરીઓનો વીજ પુરવઠો શરૃ નહી કરાતા કર્મચારીઓએ કોમ્પ્યુટર અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે અને ત્યાંથી કામ કરવું પડે છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા પોલીસની અસરગ્રસ્ત કચેરીઓને અન્ય સ્થળે ઓફિસો નહી ફાળવાતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને અન્ય સ્થળે બેસીને કામ કરવાની ફરજ પડી રહી છે.