પાદરા તા.૯ પાદરા તાલુકાના એક ગામમાં ઘરમાં મોડી રાત્રે ઘૂસી ગયેલા એક યુવાને માનસિક અસ્વસ્થ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતાં સમગ્ર પંથકમાં રોષ વ્યાપી ગયો છે. પોલીસે તાત્કાલિક હવસખોરની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના આ ગામમાં પોતાના ઘરનું બાંધકામ ચાલતું હોવાથી પિતા અને તેમની ૨૨ વર્ષની માનસિક અસ્વસ્થ પુત્રી સાથે ઘર નજીક ખેતરમાં છાપરું બનાવીને રહેતાં હતાં. રાત્રે પિતા ખેતી માટે બહાર નીકળ્યા હતા અને પુત્રી ઘરમાં ઊંઘતી હતી ત્યારે એક શખ્સે આવીને એકલતાનો લાભ ઉઠાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બહાર નીકળેલા શખ્સને યુવતીના કાકાએ જોઇ લેતાં તેમને તપાસ હાથ ધરી ત્યારે યુવાનનું દુષ્કૃત્ય બહાર આવ્યું હતું.
આ ઘટના અંગે પિતાએ વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ ગુજારનાર યુવાનને ઓળખી કાઢી ઝાકીર કેસરીસિંહ મહિડા (ઉ.વ.૨૫)ને ઝડપી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઝાકીર અપરિણીત છે તેમજ તેની સામે અન્ય કોઇ ગુના નોંધાયા છે કે નહી તેની તપાસ ચાલી રહી છે.