ડિવાઇડર સાથે અથડાયા પછી ઉછળીને રેલિંગ સાથે અથડાતા છાતીમાં ઇજા થતા મોત
Updated: Dec 14th, 2023
વડોદરા,ગુરૃવારે બપોરે સમા સાવલી રોડ રિધમ હોસ્પિટલ નજીક ડિવાઇડર સાથે મોપેડ અથડાતા એક યુવાનનું મોત થયું હતું. જ્યારે બીજાની હાલત ગંભીર છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ખોડિયાર નગર નજીક સંતોષી નગરમાં રહેતો ઉદય જયકિશન કાછીયા ( ઉ.વ.૧૮) અને તેનો ૧૬ વર્ષનો મિત્ર આજે બપોરે મોપેડ લઇને સમા સાવલી રોડ પરથી પસાર થતા હતા. તે સમયે રિધમ હોસ્પિટલ સામે રોડ વચ્ચેના ડિવાઇડર સાથે મોપેડ અથડાતા અકસ્માત થયો હતો. ઉદય ઉછળીને ડિવાઇડર વચ્ચેની રેલિંગ સાથે અથડાતા છાતીમાં ગંભીર ઇજા થઇ હતી. જેનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેસેલા મિત્રને બેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ઉદયના પિતાનું ૧૩ વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું. માતા સાથે રહેતા ઉદયની ગઇકાલે જ બર્થડે હતી. અને આજે તેનો મિત્ર મોપેડ લઇને આવતા તેઓ ઘરેથી નીકળ્યા હતા. ઉદય પાસે લાયસન્સ પણ નહતું.