વડોદરા : દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. રંગો અને પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે આજે લોકોએ વહેલી સવારે મંદિરોમાં દર્શન કરીને દિવસની શરૃઆત કરી હતી. આજે કરોડો રૃપિયાની મીઠાઇનું અને લાખો રૃપિયાના ફટાકડાનું વેચાણ થયુ હતું. આમ તો દિવાળી પછી વિક્રમ સંવતના નવા વર્ષની શરૃઆત થઇ જતી હોય છે પરંતુ આ વખતે પડતર દિવસ હોવાથી શનિવારથી નવા વર્ષનો પ્રારંભ થશે.
બજારોમાં આજે સવારે પણ રોનક જોવા મળી હતી. બપોર સુધી વેપારીઓએ ઘરાકીમાં વ્યસ્ત રહ્યા હતાં અને મોડી સાંજે લક્ષ્મીપુજન તથા ચોપડા પુજન કરવામાં આવ્યુ હતું. આખુ શહેર આતશબાજીથી ગુંજી ઉઠયુ હતું. ફટાકડના વેપારીઓના અંદાજ મુજબ આજે દિવાળીની એક રાતમાં જ આશરે રૃ.૧૫ કરોડથી વધુની રકમના ફટાકડા ફૂટયા હતા.
દિવાળીના તહેવારોમાં પુજા-વિધિ માટે ફૂલોની માગમાં વધારો થતો હોય છે જેના પગલે ફૂલોના ભાવો પણ આસમાને પહોંચ્યા હતા. દિવાળીના તહેવારોમાં ગલગોટાના ફૂલોની ડિમાન્ડ હોય છે. સામાન્ય દિવસોમાં રૃ.૬૦ થી ૭૦ પ્રતિ કિલો વેચાતા હોય છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી ગલગોટાના ભાવ પ્રતિ કિલો રૃ.૧૩૦ થી ૧૫૦ સુધી પહોંચી ગયા છે. ફૂલોના વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યુ કે પાંચ દિવસથી વડોદરામાં રોજના ૨૦ હજાર ટન ગલગોટાના ફૂલોનું વેચાણ થઇ રહ્યું છે. એટલે કે પાંચ દિવમસાં એક લાખ ટન ગલગોટાના ફૂલોનું વેચાણ થયુ છે. સામાન્ય દિવસમાં ગલગોટાનું વેચાણ રોજ સરેરાશ પાંચ હજાર ટન થતુ હોય છે.