વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કેમ્પસમાં પડી રહેલા ભંગારમાં સ્વામી વિવેકાનંદનું વિશાળ કદનું પેઈન્ટિંગ પણ નાંખી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.
કોમર્સ ફેકલ્ટી દ્વારા ગત ચોમાસામાં આવેલા પૂરમાં પલળીને નકામી થઈ ગયેલી વસ્તુઓ અને ફર્નિચરનો કેમ્પસમાં એક તરફ ઢગલો કરવામાં આવ્યો છે.જેમાં આજે સ્વામી વિવેકાનંદનું પેઈન્ટિંગ પણ જોવા મળ્યું હતું.ફેકલ્ટી સત્તાધીશો પર સ્વામી વિવેકાનંદનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો હતો.દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ આ પેઈન્ટિંગ ભંગારમાંથી ઉઠાવીને ફરી ફેકલ્ટી ડીનની ઓફિસમાં મૂકી દીધું હતું.
બીજી તરફ ફેકલ્ટી ડીન પ્રો.જે કે પંડયાએ કહ્યું હતું કે, આ પેઈન્ટિંગ ફેકલ્ટીનું છે જ નહીં.ભંગારમાં પેઈન્ટિંગ કોણ મૂકી ગયું તેની તપાસ અમે પણ કરી રહ્યા છે.અત્યારે તો આ પેઈન્ટિંગ મારી ઓફિસમાં જ છે અને તેને ક્યાં લગાવવું તે અંગે વિચારણા ચાલી રહી છે.