વડોદરાઃ ગુજરાતને હચમચાવી નાખનાર હરણી બોટ કાંડની આજે પહેલી વરસી હતી.આજથી બરાબર એક વર્ષ પહેલા આ જ દિવસે હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોન તળાવમાં બોટ પલટી જવાના કારણે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના ૧૨ બાળકો અને ૨ શિક્ષકો મોતને ભેટયા હતા.
આજે પહેલી વરસીએ મૃત બાળકોના વાલીઓ શ્રધ્ધાંજલિ આપવા માટે હરણીના લેક ઝોન તળાવ ખાતે પહોંચ્યા હતા.વાલીઓની નજર સમક્ષ એક વર્ષ પહેલાની ગોઝારી યાદો તાજા થઈ હતી અને વાલીઓ લેક ઝોનના પગથિયા પર બેસીને ધુ્રસકેને ધુ્રસકે રડી પડયા હતા.વાલીઓ અને મૃત બાળકોના ભાઈ બહેનોએ મીણબત્તીઓ પ્રગટાવીને પોતાના વ્હાલાસોયાઓને શ્રધ્ધાંજલિ આપી હતી.વાલીઓને રડતા જોઈને આસપાસના લોકો પણ ભાવુક થઈ ગયા હતા.
મૃતક બાળક વિશ્વના પિતા કલ્પેશ નિઝામાએ કહ્યું હતું કે, તંત્રના ભ્રષ્ટાચારથી અમારા બાળકોએ જીવ ગુમાવ્યા છે.શાસકો તો હિન્દુ મુસ્લિમના નામે રમત કરી રહ્યા છે પરંતુ બોટ પલટી ગઈ ત્યારે પાણીએ બાળકો હિન્દુ મુસ્લિમ છે તે વિચાર્યા વગર બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા છે.વાલીઓની સાથે લેક ઝોન ખાતે પહોચેલા વોર્ડ નંબર ૧૫ના ભાજપના કોર્પોરેટરે કહ્યું હતું કે, તંત્ર અને સ્કૂલ મૃત બાળકોના વાલીઓના ઘા પર મીઠું ભભરાવવાનું જ કામ કરી રહ્યું છે.તંત્રની કાર્યવાહી જોઈને વાલીઓને શંકા જાય છે કે, ન્યાય મળશે કે નહી? પરંતુ મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.હાઈકોર્ટ પાસે આ મામલાના સજ્જડ પૂરાવા પહોંચ્યા છે અને વાલીઓને ન્યાય મળશે જ.