Vadodara Post Office : દેશના પોસ્ટર વિભાગ દ્વારા વિવિધ શહેરોમાં માત્ર ગણતરીની પોસ્ટ ઓફિસોમાં એટીએમની સુવિધા આપવામાં આવી છે. વડોદરામાં ઈસ્ટ ડિવિઝન રાવપુરા હેડ ઓફિસ અને પશ્ચિમ વિભાગમાં ફતેગંજ હેડ ઓફિસ ખાતે મુકાયા છે. પરંતુ વડોદરા રાવપુરા હેડ ઓફિસ ખાતે મુકાયેલું એટીએમ સેન્ટર છેલ્લા કેટલાય વખતથી બંધ હાલતમાં છે. જેથી પોસ્ટ ખાતાના પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે આ સુવિધા ફરી ક્યારે શરૂ થશે એ બાબતે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટીએમ સેન્ટર ખાતે તા.12 માર્ચથી સેવાઓ આકસ્મિક કારણોસર બંધ કરાઈ છે. જે ક્યારે પુનઃ શરૂ થશે એ બાબતે નોટિસમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે બીજી બાજુ એટીએમ કાર્ડની મુદત પણ પૂરી થઈ ગઈ હોવાથી કાર્ડ ધારકો અન્ય કોઈ બેંકના એટીએમમાં પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે બેંકના એટીએમમાં પોસ્ટ ઓફિસના એટીએમનો ઉપયોગ કરવાથી ચોક્કસ ચાર્જ ગ્રાહકોને ભોગવવો પડે છે.
ઉલ્લેખનીય છે કે રાવપુરા પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકો અને પોસ્ટ ઓફિસના પેન્શનરોની સુવિધા માટે એટીએમ સેન્ટર ગ્રાહકોની માંગથી મૂકવામાં આવ્યું હતું. આ એટીએમ સેન્ટર પોસ્ટ ઓફિસના પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી થાય છે. પેન્શનના નાણા ખાતામાંથી ઉપાડવા બાબતે કાઉન્ટરો પર લાઈન રહેતી હોવાથી પોસ્ટ ખાતાના એટીએમ સેન્ટરથી નાણા ઉપાડવાની અનોખી સગવડ મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એટીએમ મશીનમાં કોઈક કારણે અગવડ સર્જાતા પોસ્ટ વિભાગ દ્વારા રાવપુરાનું એટીએમ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. આ એટીએમ સેન્ટર ગઈ તા.12 માર્ચથી કોઈ અગમ્ય કારણોસર બંધ કરાયું હોવાની નોટિસ એટીએમ સેન્ટરની બાજુમાં ચોંટાડવામાં આવી છે. પરિણામે મોટાભાગે પોસ્ટ ઓફિસના વૃદ્ધ પેન્શનરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હવે આ એટીએમ સેન્ટર ક્યારે શરૂ થશે એ બાબતે નોટિસમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.