વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી જકાતનાકાથી નવાયાર્ડ રોડ પર ભૂખી કાંસ ડાઈવર્ટ કરી નવાયાર્ડ સ્મશાન સુધી નવી ચાર મીટરની પહોળી ચેનલ બનાવવાની કામગીરી સામે વિરોધ વધી રહ્યો છે.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ ૪૫ કરોડની આ કામગીરીના કારણે જે નવો રોડ બનાવવામાં આવ્યો છે તે તોડવાનો વારો આવશે. નવા યાર્ડ, છાણી જકાતનાકા, અમરનગરની આજુબાજુનો તમામ વિસ્તાર, સમગ્ર ટીપી ૧૩, વિદ્યાનગરથી પાવન પાર્ક, સંતોષ નગર, પુનિત પાર્ક સુધીની તમામ સોસાયટીઓમાં જ્યાં વરસાદ પાણી પ્રવેશતા જ નથી, ત્યાં આ પ્રકારની ચેનલની કામગીરીને લીધ પાણી ભરાશે, અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે. ખરેખર તો શહેરના આ ઉત્તર ઝોનમાં વરસાદનું પાણી જ્યાંથી આવે છે તેવા સિસવા, આસોજ અને મંજુસરનું પાણી હાઈવે સમાંતર વિશ્વામિત્રીમાં ડાયવર્ટ કરવામાં આવે તો પાણીની નિકાલ માટે આ બધું કરવું ન પડે.
હાલમાં ભૂખી કાંસ પર જે દબાણો થયેલ છે, એ દૂર કરવા જોઈએ. કારણ કે વિશ્વામિત્રી નદીનું જ્યારે પૂરનું પાણી બેક મારશે ત્યારે આ વિસ્તારો જળબંબાકાર બની પૂરમાં ગરકાવ થઈ જશે. આવી કામગીરી કરી વોર્ડ નંબર એકની જનતાને પૂરની પરિસ્થિતિમાં મૂકવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે સામે વોર્ડની જનતા એકત્રિત થઈ આ કામગીરી સામે ઉગ્ર વિરોધ કરશે.