Narendra Modi Pedro Sanchez Road Show in Vadodara: ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.
આ પણ વાંચો: Live Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી
એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોતી જોવા મળી હતી.
એવામાં રોડ શોનો કાફલો આ તરફથી પસાર થયો અને તેવામાં બન્ને વડાપ્રધાનની નજર આ છાત્રા પર ગઇ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બન્ને મહાનુભાવો પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા. દિયાએ બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી હતી. જેને બન્ને મહાનુભાવોએ સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી.