Bribery Case : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં આરોપી સામે બીજો ગુનો દાખલ ન કરવા તેના પિતા પાસેથી રૂ.60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે.
ફરીયાદીના પુત્ર વિરૂદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનો નોંધાયો હતો. તા.19 માર્ચના રોજ માકડખડા ખાતે ફરીયાદી તથા તેમનો પુત્ર ઘરે હાજર હતા તે સમયે પોલીસ કર્મીઓએ તેમને અટક કર્યા હતા. ફરીયાદીના પુત્રને પોલીસએ માર મારી ફરીયાદીને નાણાં નહી આપે તો પુત્ર ઉપર બીજો પણ ગુનો દાખલ કરીશું તેવી ધમકી આપી હતી. તેમજ આ ગુનામાં ફરીયાદીની એક નાવડી તથા એક બાઇક પણ કબ્જે લીધું હતુ. ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનના અ.હે.કો. વર્ગ-3 અશ્વિન રમણભાઇ વસાવા (રહે-ગરૂડેશ્વર પોલીસ લાઈન, ગરૂડેશ્વર, નર્મદા/મુળ રહે.પંચાયત ફળીયુ, ઓડેલીયા, તિલકવાડા ) એ ફરીયાદીના પુત્ર વિરૂધ્ધ બીજો ગુનો દાખલ કરવાની ધમકી આપી તેમજ નાવડી તેમજ બાઈક પરત આપવા પેટે અગાઉ તા.19 માર્ચના રોજ રૂ.2 લાખ લાંચ પેટે સ્વીકાર્યા હતા. જે નોટોના બંડલની ઉપરની નોટોનો ફરીયાદીએ પોતાના મોબાઈલમાં ફોટો પુરાવા તરીકે રાખ્યો હતો. ત્યારબાદ ફરી રૂ.70 હજારની લાંચની માંગણી કરતા રૂ.60 આપવાનું નક્કી થયું હતું. જે વાતચીતનુ ફરીયાદીએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કર્યું હતુ. જે લાંચની રકમ રૂ.60 હજાર ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક સાંધતા છોટાઉદેપુર એ.સી.બી. તથા વડોદરા એ.સી.બી.એ આજરોજ ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર છટકુ ગોઠવી આરોપીને ફરીયાદી પાસેથી રૂ.60 લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો ગયો હતો.