વડોદરા,પ્રતાપનગર પોલીસ લાઇનમાં રહેતા પોલીસ જવાનની પુત્રી આજે બપોરે છઠ્ઠા માળે કપડા સુકવતી હતી. ત્યાંથી તેનો પગ લપસતા નીચે પડતા તેનું મોત થયું હતું.
એસ.ઓ.જી.માં ફરજ બજાવતા હે.કો. વિક્રમસિંહ પરમારની ૨૦ વર્ષની પુત્રી પિનલબેન કોલેજમાં અભ્યાસ કરે છે. આજે બપોરે પોણા ત્રણ વાગ્યે તે કપડા સુકવતી હતી. તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા પડી હતી. તેણે બચવા માટે રેલીંગ પકડી લીધી હતી અને બૂમાબૂમ કરી હતી. પિનલની બૂમો સાંભળીને તેની માતા, ભાઇ અને પાડોશી તેઓને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ, હાથ પાણી વાળા હોઇ પિનલનો હાથ રેલિંગ પરથી છટકી જતા તે નીચે પડતા ગંભીર ઇજા પહોંચી હતી. તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.