Updated: Dec 14th, 2023
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગના સંશોધકોને શહેરોમાં રહેતા ઘરવિહોણા લોકો માટે કામચલાઉ આશ્રય સ્થાનની ડિઝાઈન માટે શ્રી અરવિંદો યોગા એન્ડ નોલેજ ફાઉન્ડેશનના ઉપક્રમે ઈન્ડિયા ડોટ ઓઆરજી સંસ્થા દ્વારા અમૃતમ( એસ્પાયરિંગ ફોર સસ્ટેનેબલ ફ્યુચર) સસ્ટેનેબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
એક શહેરોમાંથી બીજા શહેરોમાં કામની શોધ માટે જતા શ્રમિકો પાસે સામાન્ય રીતે કોઈ રહેઠાણ હોતુ નથી.ગમે તેવી સ્થિતિમાં પણ તેઓ ઉપર આભ અને નીચે ધરતી જેવી…હાલતમાં ફૂટપાથ પર કે ઓવરબ્રિજની નીચે કે કોઈ અવાવારુ જગ્યાએ રહેતા હોય છે.આવા લોકોને કામચલાઉ રહેઠાણ મળી રહે તે માટે ફેકલ્ટીની વિદ્યાર્થિની અનિસા શેખે તેના માસ્ટરના કોર્સના ભાગરુપે અધ્યાપકો ડો.રીના ભાટિયા તેમજ ડો.સુક્રિતી પટેલના હાથ નીચે એક પ્રોજેકટ પર કામ કર્યુ હતુ.
તેણે ઘરવિહોણા ૧૫૦ જેટલા લોકોને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.તેઓ કયા પ્રકારની સ્થિતિમાં રહે છે ,તેમની રોજિંદી દીનચર્ચા, જરુરિયાતો શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.અનિસા શેખે આ તમામ પાસાઓને ધ્યાનમા રાખીને કામચલાઉ રહેઠાણોની પાંચ ડિઝાઈન બનાવી હતી અને તેમાંથી ત્રણના પ્રોટો ટાઈપ તૈયાર કર્યા હતા.
તેના ગાઈડ ડો.રીના ભાટિયાનુ કહેવુ છે કે, આ એવા રહેઠાણ છે જે શ્રમિકોને વરસાદથી બચાવી શકે છે.તેમને માથા પર છત પૂરી પાડી શકે છે અને તે સાવ સસ્તા પણ છે.શ્રમિકો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી ખસેડી પણ શકે છે.સરકાર ધારે તો એફોર્ડેબલ હાઉસિંગના ભાગરુપે આ પ્રકારના કામચલાઉ રહેઠાંણો લોકોને પૂરા પાડી શકે છે.