વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે બાપોદ વિસ્તારમાં આવેલી બંસીધર સોસાયટીના બે મકાન માલિક વચ્ચેના વિવાદને કારણે બંનેના વધારાના ગેરકાયદે બાંધેલા દાદર તોડી પાડવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં સોસાયટીના આંતરિક રસ્તાઓ અને પાર્કિંગ માર્જિન ની જગ્યામાં અનેક લોકો બાંધકામ કરી દેતા હોય છે જે અંગે અવારનવાર સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે ઝઘડા થતા રહે છે પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે કારણ કે સોસાયટીના આંતરિક ઝઘડામાં કોર્પોરેશન બને ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરતી નથી પરંતુ જ્યારે મામલો કોર્ટમાં કે પછી સીએમ પીએમ ઓનલાઈન સુધી ફરિયાદ થાય છે તે બાદ કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવે છે તે રીતે આજે ફરી એકવાર સોસાયટીના આંતરિક બે મકાનના ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી કોર્પોરેશનને હાથ ધરી છે.
કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે ટીપી વિભાગની સૂચના હેઠળ બાપોદ વિસ્તારમાં પુષ્પમ સોસાયટીની બાજુમાં આવેલ બંસીધર સોસાયટી ખાતે બે રહીશો દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા બે દાદર તોડી પાડ્યા હતા. પાલિકાને મળેલી ફરિયાદ બાદ અહીંના મકાન ધારકોને તેમના દબાણ દૂર કરવા નોટિસ અપાઇ હતી છતાં તે દબાણ યથાવત રહેતા આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી.