વડોદરાઃ ભારતમાં વેચાતા પ્રોસેસ્ડ પેકેજ્ડ ફૂડસ એટલે કે પેકેટોમાં વેચાતા વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંતરરાષ્ટ્રીય ધારા ધોરણો પ્રમાણે ખરા ઉતરે છે કે નહીં તેનો અભ્યાસ એમ.એસ.યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના સંશોધકોએ કર્યો છે.જેના ચોંકાવનારા તારણ સામે આવ્યા છે.
વિભાગના વરિષ્ઠ અધ્યાપક તેમજ ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સાયન્ટિફિક પેનલના સભ્ય ડો.સુનિતા ચાંદોરકરના હાથ નીચે પીએચડી અને એમએસસીના સ્ટુડન્ટસ ડો.મીનુ સિંઘ, અદિતિ જોષી, શ્રુતિ પટેલ, પલક શાહ અને ભવ્યા પાંડેએ તબક્કાવાર માર્કેટમાં વેચાતી પેકેજ્ડ ફૂડસની ૧૩૦૦ જેટલી પ્રોડકટસના લેબલનો અભ્યાસ કર્યો હતો અને તેમાંથી ૨૧૮ જેટલી પ્રોડકટસના નમૂનાનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું હતું.
ડો.સુનિતા ચાંદોરકરનું કહેવું છે કે, યુરોપમાં દરેક પેકેજ્ડ ફૂડ પ્રોડકટસ પર ન્યુટ્રી સ્કોર તથા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં એચએસઆર(ે હેલ્થ સ્ટાર રેટિંગ) દર્શાવવાનો નિયમ છે.ભારતમાં આઈએનઆર (ઈન્ડિયન ન્યુટ્રિશન રેટિંગ)નો લેબલ પર ઉલ્લેખ કરવાનો પ્રસ્તાવ તો છે અને તેના ધારાધોરણો પણ નક્કી થયા છે. જોકે હજી તેનો અમલ થયો નથી.
ડો.ચાંદોરકર કહે છે કે, અમે અલગ અલગ કેટેગરીમાં આવતી અને પેકેટમાં મળતી ૨૧૮ ફૂડ પ્રોડ્કટસના લેબોરેટરી ટેસ્ટિંગના પરિણામોનો અભ્યાસ કર્યો હતો.જેમાં ન્યુટ્રી સ્કોરના ધારાધોરણ પ્રમાણે તમામ પ્રોડકટસને એ, બી, સી, ડી અને ઈ કેટેગરી પૈકી ડી અને ઈ રેટિંગ મળ્યું હતું.આમ આ પ્રોડક્ટસ બિન આરોગ્યપ્રદ હોવાનું પૂરવાર થયું હતું.જ્યારે હેલ્થ સ્ટાર રેટિંગના ધારાધોરણ પ્રમાણે પીનટ બટર સિવાયની તમામ પ્રોડકટસ બિન આરોગ્યપ્રદ કેટેગરીમાં મૂકાઈ હતી.ઈન્ડિયન ન્યુટ્રિશન રેટિંગના પ્રસ્તાવિત ધારાધોરણો પ્રમાણે પણ માત્ર પીનટ બટરની પ્રોડકટસ જ આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું હતું.
૨૧૮ પૈકી મોટાભાગની પ્રોડકટસમાં
સુગર, સોડિયમ, એનર્જી અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે
સંશોધકોએ બજારમાં વેચાતા પેકેજ્ડ ફૂડસની ૨૧૮ પ્રોડકટસમાં એનર્જી, સોડિયમ અને ટોટલ સુગરનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ કરતા વધારે છે કે તે ચેક કર્યું હતું.જેમ કે
–૨૧૮ પ્રોડકટસ પૈકી કન્ફેક્શનરી એટલે કે ચોકલેટ, વેફર, ચોકો ચિપ્સ, ભારતીય મિઠાઈઓની ૧૦૦ ટકા પ્રોડકટસમાં એનર્જી, ટોટલ સુગરનું અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા ઉંચું હતું.
–રેડી ટુ ઈટ કેટેગરીમાં પોપકોર્ન, નાસ્તા અને ચિપ્સની જેટલી પ્રોડકટસનું લેબોરેટરી એનાસિલિસ કર્યું તે તમામમાં એનર્જી, સોડિયમ અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા વધારે હતું
–ઈન્સ્ટન્ટ નૂડલ્સ, ઈન્સ્ટન્ટ સુપ, ઈન્સ્ટન્ટ પોપકોર્નની ૧૦૦ ટકા પ્રોડકટસમાં એનર્જી, સોડિયમનું પ્રમાણ વધું જણાયું હતું.જ્યારે ૪૨ ટકા પ્રોડકટસમાં સેચ્યુરેટેડ ફેટ અને ૨૮ ટકા પ્રોડકટસમાં ટોટલ સુગરનું પ્રમાણ વધારે હતું.
–બિસ્કિટ, કેક, ડોનટ, ક્રીમ વેફર બિસ્કિટ, ક્રીમ રોલ, ટોસ્ટ અને બ્રેડના જે સેમ્પલની ચકાસણી કરાઈ તે પૈકી ૯૩ ટકામાં એનર્જીનું, ૩૧ ટકામાં સોડિયમનું, ૮૭ ટકા પ્રોડક્ટસમાં ટોટલ સુગરનું અને ૯૩ ટકા પ્રોડકટસમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું
–અલગ, અલગ પ્રકારના સોસ અને ડિપ્સના જે નમૂના ચકાસવામાં આવ્યા તે તમામમાં સોડિયમનું પ્રમાણ વધારે હતું.૫૦ ટકામાં એનર્જીનું પ્રમાણ વધારે હતું.૧૦૦ ટકા સેમ્પલમાં સુગર અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે જોવા મળ્યું નહોતું.
૧૦ વર્ષમાં ફૂડ પ્રોડકટસના લેબલ પર જોવા મળેલા બદલાવ
પેકેજ્ડ ફૂડ પ્રોડકટસ પરની જાણકારીને લઈને છેલ્લા ૧૦ વર્ષમાં કેટલાક હકારાત્મક બદલાવ પણ આવ્યા છે.જેમ કે,
–ફૂડ પ્રોડકટસ પર તેમાં રહેલા પોષક તત્વોને હવે મોટાભાગની કંપનીઓ દર્શાવતી થઈ છે
–સોડિયમ અને ટ્રાન્સ ફેટના પ્રમાણ લેબલ પર દર્શાવતી પ્રોડકટસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
–સિન્થેટિક ફૂડ કલર્સ, ફૂડ એડિટિવ્સ, એસિડિટી રેગ્યુલેટર જેવા પદાર્થોનો ઉલ્લેખ લેબલ પર થવા માંડયો છે.
–અગાઉ એલર્જીને લગતી જાણકારી માંડ ૨૦ ટકા પ્રોડકટસના લેબલ પર જોવા મળતી હતી.હવે તેનું પ્રમાણ વધીને ૭૫ ટકા જેટલું થયું છે.
–૨૦૨૪માં જેટલા પેકેજ્ડ ફૂડનો અભ્યાસ કરવામાં આવ્યો તે તમામમાં ટ્રાન્સ ફેટ ઝીરો જોવા મળ્યું છે.
ઈન્ડિયન ન્યુટ્રિશન રેટિંગના ધારાધોરણો ૨૦૨૨થી તૈયાર છે
ડો.ચાંદોરકરનું કહેવું છે કે, ઈન્ડિયન ન્યુટ્રિશન રેટિંગના ધારાધોરણો તો ૨૦૨૨થી તૈયાર થયા છે.જે અનુસાર કોઈ પણ પ્રોડકટમાં નિયત માત્રા કરતા કોઈ વસ્તુ વધારે હોય તો તેનું વોર્નિંગ લેબલ લગાવવાની જોગવાઈ છે.જોકે ફૂડ પ્રોડકટસ બનાવતી કંપનીઓ, સરકાર અને એક્ટિવિસ્ટસ વચ્ચેની ખેંચતાણમાં હજી સુધી આ ધારાધોરણોનો અમલ થયો નથી.લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ પ્રોડક્ટસ પર વોર્નિંગ લેબલ લાગે તે બહું જરુરી છે.
લેબલ પરની જાણકારી નાના અક્ષરોમાં અને અંગ્રેજીમાં પ્રિન્ટ કરાય છે
તેમનું કહેવું છે કે, ફૂડ પ્રોડકટસ પર અત્યારે જે લેબલ લગાવવામાં આવે છે તે મોટાભાગે અંગ્રેજીમાં હોય છે.ઘણા લોકોને અંગ્રેજી ખબર નથી પડતી.ઉપરાંત લેબલો પર દર્શાવાયેલી જાણકારી પણ એટલા ઝીણા અક્ષરોમાં હોય છે કે, વાંચવામાં પણ તકલીફ પડે. સરકારે આ બાબતોને પણ ધ્યાનમાં લેવા જેવી છે.
માત્ર એડિબલ ઓઈલ જ લખાયેલું હોય છે
ફૂડ પ્રોડકટસના પેકેટના લેબલ પર એડિબલ ઓઈલ લખેલું હોય છે.એડિબલ ઓઈલ એટલે પામોલિન, સનફલાવર કે કપાસિયા, તલ કે અન્ય કોઈ પણ તેલ હોઈ શકે છે.જોકે ઘણી પ્રોડકટસ પર માત્ર એડિબલ ઓઈલ જ લખવામાં આવે છે.કયા પ્રકારનું એડિબલ ઓઈલ છે તેનો ઉલ્લેખ નથી હોતો.
સુગરનો અલગ અલગ પ્રકારે લેબલ પર ઉલ્લેખ
સંશોધકોનું કહેવું છે કે, પ્રોડકટની અંદર વપરાતા ડેક્સટ્રોઝ, ગ્લુકોઝ સિરપ, માલ્ટોડેક્સ્ટ્રિન, સ્વીટનર, કોર્ન સિરપ, લેકટોસ, ઓલિગો ફ્રુક્ટોઝ, કેરેમલ જેવા પદાર્થો પણ સુગરનું જ બીજુ સ્વરુપ છે પરંતુ લેબલ પર લખાયેલા આ શબ્દો મોટાભાગના ગ્રાહકોની સમજમાં આવતા નથી.
મીઠાના પણ જુદા-જુદા પ્રકાર
પ્રોસસ્ડ પેકેજ્ડ ફૂડસમાં સોડિયમનો એટલે કે મીઠાનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે.લેબલ પર તેને આયોડાઈઝડ સોલ્ટ, બ્લેક સોલ્ટ, રોક સોલ્ટ, પિન્ક સોલ્ટ, ઈ૫૦૦, ઈ૫૦૩, ઈ૬૩૫, ઈ૬૩૧, ઈ૬૨૭ નામથી દર્શાવાય છે.