વડોદરા : ઉત્સવોની નગરી વડોદરામાં આજે દેવ ઉઠી અગિયારસના પવિત્ર પર્વે પરંપરાગત શ્રી વિઠ્ઠલનાથજીની ૨૫૧મી પાલખી યાત્રા નીકળી હતી જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ભગવાનને ચાંદીની પાલખીમાં બિરજમાન કરાયા હતા અને ભજન મંડળીઓના સૂર સાથે વરઘોડો નીકળ્યો હતો.
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી ટાવર સામે આવેલા પ્રાચીન શ્રી વિઠ્ઠલનાથજી મંદિરથી દર દેવ દિવાળીએ પાલખી યાત્રાનું આયોજન છેલ્લા ૨૧૫ વર્ષથી આયોજન થાય છે તે પરંપરા પ્રમાણે આજે વરઘોડો નીકળ્યો હતો. સવારે ૯ વાગ્યે વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના સભ્યોએ આરતી કર્યા બાદ ભગવાને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાયા હતા અને વિઠ્ઠલ, વિઠ્ઠલ, વિઠ્ઠલા… હરી ઓમ વિઠ્ઠલાના નાદ સાથે પાલખીયાત્રાનો પ્રારંભ થયો હતો.
પાલખી યાત્રા માંડવી ટાવરથી ન્યાય મંદિર, રાવપુરા, કોઠી કચેરી થઇને કારેલીબાગ લીંબુવાડી પાસે આવેલા ગહીનાબાઇ મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં હરી એટલે કે વિઠ્ઠલનાથજી અને હર એટલે મહાદેવની ભેટ થઇ હતી. અહી એક કલાક પાલખી યાત્રાનો વિરામ હતો દરમિયાનમાં યાત્રામાં જોડાયેલા ભક્તોને અહી ફરાળ-પ્રસાદનું વિતરણ કરાયુ હતું.
વિરામ બાદ પાલખીયાત્રા નીજ મંદિર જવા રવાના થઇ હતી અને સાંજે ૫.૩૦ કલાકે વિઠ્ઠલ મંદિરે પહોંચી હતી. અહી ભગવાને વિરામ કર્યો હતો અને રાત્રે ૧૦ વાગ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તુલસી વિવાહ યોજાયા હતા. તે પૂર્વે યોજાયેલી ચાંદલા વિધિમાં પણ ભક્તોએ ભાગ લીધો હતો.