જમીનમાં બાંધેલી સિમેન્ટના પતરાવાળી કંપાઉન્ડ વોલ તોડી નાંખી
Updated: Dec 31st, 2023
વડોદરા,સંયુક્ત માલિકીની જગ્યાના ભાગ પાડયા પછી તેમાંથી પાડવામાં આવેલા રોડ બાબતે બે પરિવાર વચ્ચે ચાલતી તકરારના પગલે કંપાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી હતી. જે અંગે જવાહનર નગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસે ભવાનીપુરા સોસાયટીમાં રહેતા મનોજકુમાર રતિલાલભાઇ પટેલ વેપાર કરે છે. જવાહર નગર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પિતા રતિલાલભાઇ તથા કાકા જશભાઇની સંયુક્ત માલિકીની જમીન રણોલી જય નારાયણ સર્વિસ સ્ટેશનની પાછળ આવેલી છે. જે જમીનના વર્ષ ૨૦૦૫ માં ભાગ પાડવામાં આવ્યા હતા. અડધી જમીન મારા પિતા તથા બાકીની અડધી જમીન મારા કાકાના ભાગે આવી હતી. જમીનની વહેચણી સમયે બંનેની સહમતિથી ૨૦ ફૂટ રોડ કાઢવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ અમે બંને પરિવાર કરીએ છીએ. અમારી માલિકીની જગ્યામાં સિમેન્ટના પતરાથી કંપાઉન્ડ વોલ બનાવી છે. રસ્તા બાબતે મારા કાકા જશભાઇ અવાર – નવાર અમારી સાથે ઝઘડો કરતા હતા. અમારી જમીનમાં બનાવેલી કંપાઉન્ડ વોલ મારા કાકાના દીકરા ભરત તથા ભત્રીજાએ તોડી નાંખી હતી.
ભરત પટેલ અગાઉ પણ રસ્તા બાબતે અમારી સાથે મનદુખ રાખી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.