વડોદરા,મહી નદીમાંથી અનધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિ પર વડોદરા ગ્રામ્ય પ્રાંત અને પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ત્રણ બોટ જપ્ત કરવામાં આવી છે.
ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માટે કલેકટરે તાકીદ કર્યા બાદ વડોદરા ગ્રામ્યમાં કોટડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કેટલાક લોકો ગેરકાયદે રેતી કાઢતા હોવાની માહિતી મળી હતી.
વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી ઉપરાંત મામલતદાર અને પોલીસની ટીમ ત્યાં દરોડા પાડયા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઇ પાસ પરમિટ વિના મહી નદીમાંથી રેતી કાઢતી ત્રણ બોટ ઝડપીને જપ્ત કરી પોલીસને સોંપવામાં આવી હતી. આ સાથે એક ડમ્પર અને ૧૦૦ ટન જેટલી રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો. જે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ તમામની કિંમત અંદાજે રૃા.પાંચેક લાખની થવા જાય છે.
છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ખનીજ સંપત્તિ ઉલેચી રહ્યા છે. સરકારી તંત્રની લાલ આંખ છતાં ખનીજ માફિયાઓ તેઓની પ્રવૃતિ રોકતા નથી અને ખનીજ સંપતિ ઉલેચી રહ્યા છે.