વડોદરા શહેર નજીક રણોલી જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા ઊંચે આકાશમાં ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. કંપની તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રજા જાહેર કરીને તમામ કર્મીઓને રવાના કરી દેવાયા હતા. બનાવ અંગે કોઈ જાનહાની કે દુર્ઘટના સર્જાઈ નથી. જોકે ઘટના સંદર્ભે જવાહર નગર પોલીસે તપાસ હાથ ધરી છે. બે કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે શહેર નજીકની રણોલી જીઆઇડીસી માં ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં બોટલિંગ અંગેનું કામકાજ થાય છે. નાની મોટી મશીનરીઓ સર્વિસિંગ માટે આ કંપનીમાં આવે છે. લાકડાના સહારે મશીનરીઓનું સર્વિસિંગ થાય છે. આજે દસેક વાગ્યાના સુમારે કંપનીમાં એકાએક આગે દેખા દીધી હતી. લાકડાના કારણે આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા કર્મચારીઓમાં ગભરાટભરી નાશ ભાગ મચી ગઈ હતી. કંપની દ્વારા સલામતીના કારણોસર તમામ કર્મચારીઓને કંપનીમાંથી બહાર નીકળી જવા કડક સૂચના આપી હતી. પરિણામે કોઈ અઘટિત કે જાનહાનિનો બનાવ બન્યો નથી. દુર્ઘટનાની જાણ થતા જ બે ફાયર ફાઈટર કંપની ખાતે આવી પહોંચ્યા હતા. આ બંને ફાયર ફાઈટરના લાસ્કરોએ સખત પાણી મારો ચારે બાજુએથી કરીને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે બીજી બાજુ કંપની સત્તાધીશો એ તાત્કાલિક ધોરણે કંપનીમાં રજા જાહેર કરીને તમામ કર્મચારીઓને રવાના કરી દીધા હતા. જોકે ધુમાડાના ગોટેગોટા ઉપર આકાશમાં દૂર સુધી જતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતા જ જવાહર નગર પોલીસ ઘટના સ્થળે તત્કાળ પહોંચી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી એ અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.