વડોદરા, તા.25 વડોદરા શહેર અને જિલ્લામાં રેશનિંગ દુકાનોમાં ચાલતી ગેરરીતિનો મુદ્દો લોકાયુક્તમાં પહોંચ્યા બાદ પુરવઠાખાતું એલર્ટ થઇ ગયું છે. રેશનિંગ દુકાનના સંચાલકોને ઝોનલ ઓફિસમાં નહી આવવાની સૂચના આપી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા નજીક આવેલી કરચિયા, રાઘવપુરા અને ચીખોદ્રાની રેશનિંગ દુકાનોમાં ચાલતી ગેરરીતિની ફરિયાદ લોકાયુક્તમાં થઇ હતી. આ સાથે નર્મદા ભવનમાં આવેલી ઝોનલ-૧ની ઓફિસમાં રેશનકાર્ડ ગ્રાહકોને થતી હેરાનગતિ અંગેની પણ ફરિયાદ ઉચ્ચકક્ષાએ પહોંચી હતી જેના પગલે પુરવઠાખાતામાં તેમજ ઝોનલ કચેરીમાં અવરજવર કરતાં દુકાનદારો અથવા અનાજ માફિયાઓ ખુલ્લા પડી ગયા હતાં.
લોકાયુક્તની ફરિયાદ બાદ વડોદરા શહેરની તમામ ઝોનલ કચેરીમાં મહિનાના અંતમાં છાસવારે દોડી આવતા દુકાનદારોને ઝોનલ ઓફિસમાં નહી આવવાની મૌખિક સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને ઝોનલ-૧ની કચેરીમાં કોઇપણ દુકાનદાર અથવા એજન્ટને નહી આવવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે.
દરમિયાન લોકાયુક્તમાં થયેલી ફરિયાદની મુદત તા.૨૪ના રોજ હતી. આ મુદતમાં જિલ્લા પુરવઠા અધિકારી સહિતનો સ્ટાફ મુદત માટે પહોંચ્યો હતો પરંતુ લોકાયુક્ત દ્વારા તા.૭ની મુદત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકાયુક્તમાં ફરિયાદ બાદ સમાધાનના પ્રયાસો પણ થઇ રહ્યા છે પરંતુ લોકાયુક્ત દ્વારા તેને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.