Updated: Dec 9th, 2023
વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ગૃહમંત્રીના પીએ તરીકે ઓળખાણ આપી પોલીસ સાથે ઝપાઝપી કરનાર ત્રણ પીધેલાઓને આજે બનાવના સ્થળે લઈ જઈ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
હરણી ગોલ્ડન ચોકડી પાસે રાત્રે 2 વાગે ટ્રાફિક પોલીસે રસ્તાની વચ્ચે ઉભેલા બે યુવકોને ટોકતા આ બંને યુવકો તેમજ તેમના અન્ય એક સાગરીતે પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. આ પૈકી દરજીપુરાના વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પી.એ હોવાનું કહી પોલીસને બદલી કરાવવાની ધમકી આપી હતી. જ્યારે હરણીના આકાશ પટેલ અને પિનાકીન પટેલે પણ મદદગારી કરી હતી.
હુમલાખોરે ઝપાઝપી કર્યા બાદ પોલીસવાનના ડ્રાઇવરને નીચે પછાડ્યો હતો. ત્રણેય યુવકો કારમાં ભાગવા જતા પોલીસે તેમનો પીછો કર્યો હતો. જે દરમિયાન આ યુવકોએ મદદ માટે બોલાવેલા મિત્રોની બે કાર પણ પોલીસની પાછળ પીછો કરતી હોવાની વિગતો બહાર આવી હતી. ત્રણેય યુવકોને પોલીસ સ્ટેશનને લઈ ગયા બાદ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બનાવ બાદ આજે ડીસીપી પન્ના મોમાયાની આગેવાની હેઠળ એસીપી તેમજ હરણીના પીઆઇ સહિતની ટીમોએ ત્રણેય યુવકોને બનાવનાર સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઉપરોક્ત બનાવને ઢાબાવાળા એ પણ સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે, ત્રણે પીધેલાઓ સામે ભૂતકાળમાં કોઈ કેસ થયા નથી. પરંતુ ગૃહમંત્રીના પીએ તરીકે ક્યાં-ક્યાં ઓળખાણ આપી રૂઆબ જમાવ્યો છે તેની તપાસ કરવામાં આવશે.