Updated: Dec 9th, 2023
– હાલ કોર્પોરેશન પાસે સ્ટાફ જ નથી
– 52 જગ્યાઓ હંગામી ધોરણે ભરવા તારીખ 19 અને 20 ના રોજ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ
વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા-2023 મુજબ નવી કેટલ પોલીસીનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે આ કામગીરીને વધુ સઘન બનાવવા માટે જરૂરી સ્ટાફની પણ આવશ્યકતા ઉભી થઈ છે.
કોર્પોરેશનમાં દબાણ અને સિક્યુરિટી વિભાગ માટે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ એટલે કે.સી.એન.સી.ડી અંતર્ગત વિવિધ 52 જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે છ માસના કરાર આધારે ભરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં 5 પશુ ચિકિત્સક અધિકારી, 21 એનિમલ હસબન્ડરી ઇન્સ્પેક્ટર, 4 કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર અને 22 ઢોર પકડનાર સુપરવાઇઝર નો સમાવેશ થાય છે. આ માટે ઉમેદવારોના વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 19 અને 20 ના રોજ રાખવામાં આવેલા છે. ઇન્ટરવ્યૂ સવારે 11 થી 1 સુધી કમાટીબાગના પ્લેનેટેરીયમ ખાતે યોજાશે. કોર્પોરેશનના ઢોર પકડવાની કામગીરી કરતા ડિપાર્ટમેન્ટમાં કોઈ સ્ટાફ જ નથી. નવી કેટલ પોલીસીનો અમલ કરવો એટલે કે તેમાં માત્ર ઢોર પકડવાની જ કામગીરી કરવાની નથી, પરંતુ ઢોર પકડીને તેને ઢોર ડબ્બામાં લાવવાનું, ઢોર ડબ્બામાં કાળજી લેવાની, ઢોર છોડાવવા આવે ત્યારે પોલીસની કાર્યવાહી કરવી, ફરિયાદ કરવી, ઢોર વાડામાં પશુના જન્મ અને મરણની નોંધણી, પેનલ્ટી વસૂલ કરવાની, લાઇસન્સ આપવાના, પરમીટ ઇસ્યુ કરવાની, પરમિટ વિનાના ઢોરવાડા સામે કાર્યવાહી કરવાની, ઘાસની ખરીદી, પકડાયેલા ઢોરને બહાર ગૌશાળામાં છોડવા જવાની કાર્યવાહી કરવા સહિતની અનેક કામગીરી હોય છે. વડોદરાની સામે અમદાવાદમાં સીએનસીડીમાં ખાતાના વડાની જગ્યા પણ ભરાયેલી છે, એટલું જ નહીં સુપ્રિટેન્ડન્ટ ફાળવેલા છે, જેને ગાડીઓ સહિતની અલગ સુવિધાઓ આપેલી છે. 200 નો સ્ટાફ છે. જ્યારે જેની સામે હાલમાં વડોદરા કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ખરેખર એ તેની કામગીરી જ નથી.