Vadodara : વડોદરાના દશરથ વિસ્તારમાં જમીનના જુદા-જુદા બે કેસોમાં અરજી કરી તોડબાજી કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાહ્યા શનાભાઇ રાજપુત (પરિવાર પાર્ક, કરોડિયા રોડ, ઉંડેરા) સામે પોલીસે ધરપકડ કરી છે.
દશરથના કેસમાં 10 લાખ પડાવી 75 લાખની માંગણી કરતાં ફરિયાદ
દશરથ ગામની એક જમીનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાહ્યા રાજપૂતને કોઈ લેવાદેવા નહીં હોવા છતાં તેણે સરકારી વિભાગોમાં અરજીઓ તેમજ કોર્ટ કેસો કર્યા હતા. ત્યારબાદ સમાધાન પેટે તેણે જમીન માલિક પાસે 10 લાખ લીધા હતા અને કોઈ કેસ કે અરજીઓ નહીં કરે તેમ કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ 75 લાખની માંગણી કરી અરજીઓ અને કેસ કરતા છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
મેં ભલભલા લોકોને સીધા કરી દીધા છે તમે ઓળખતા નથી
દશરથની જમીનના કેસમાં સમાધાન કરવા માટે ડાહ્યા રાજપૂતે જમીન માલિકને વારંવાર જોઈ લેવાની ધમકીઓ આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તમે મને ઓળખતા નથી. મેં ભલભલા લોકોને સીધા કરી દીધા છે. ત્યારબાદ તેણે રૂપિયા પડાવી સમાધાન પણ કર્યું હતું.
જમીનના કેસમાં ભાડા કરાર કરાવી લઈ રૂપિયા માટે ધાક ધમકી આપતા બીજી ફરિયાદ થઈ
આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ડાહ્યા રાજપૂતે દશરથની બીજી એક જમીનમાં 99 વર્ષનો ભાડા કરાર કર્યો હતો અને ત્યારબાદ જમીનદાર અને તેમના પરિવાર જનોની સામે કલેકટર તેમજ બીજા વિભાગોમાં અરજીઓ અને કેસ કરી રૂપિયાની માંગણી કરી હતી. ત્યાર પછી તેણે ધાક ધમકીઓ આપતા ગોરવા પોલીસે ડાહ્યા રાજપુત સામે ગુનો દાખલ કર્યો.