Vadodara : વડોદરા શહેરમાં ચંદન ચોરોને હવે છેલ્લા છ દિવસથી ખુલ્લું મેદાન મળી ગયું છે. એમએસ યુનિવર્સિટીમાં ચંદનના બે ઝાડની ચોરી બાદ વધુ ત્રણ કાપીને ચોરી જવાના પ્રયાસ પછી હવે વડોદરા કોર્પોરેશન હસ્તકના બગીચામાં ચંદન ચોર ટોળકી ત્રાટકી છે. સરદારબાગમાંથી ગઈ રાત્રે એક ચંદનનું ઝાડ ચોરી ગયા બાદ બીજા ઝાડની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચંદન ચોર ટોળકીએ છેલ્લા છ દિવસમાં શહેરમાં આતંક મચાવ્યો છે.
ગયા અઠવાડિયે બુધવારની રાત્રે એમ.એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની ઓફિસની પાછળથી ચંદનના બે ઝાડ ચોરાયા હતા. એ પછી બોટની ગાર્ડનમાં આવેલા ચંદનના ત્રણ વૃક્ષોના થડમાં કટરથી ઊંડા કાપા પાડવામાં આવ્યા હતા અને ત્રણેય ઝાડ કાપીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેમ્પસમાં સિક્યુરિટીની વ્યવસ્થામાં છિંડા હોવાથી ચંદન ચોર ટોળકી તેનો લાભ લઈ રહી છે. એમાં હવે વડોદરા કોર્પોરેશનના બગીચામાંથી ઝાડ કપાતા સિક્યુરિટી સામે સવાલ ઊભા થયા છે. કોર્પોરેશનના સરદાર બાગ ખાતે ચંદનના વૃક્ષની ચોરી કરી અને બીજામાં ચોરીના નિષ્ફળ પ્રયાસની જાણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સરદાર બાગ ખાતે પહોંચી હતી. કોર્પોરેશન હસ્તકના ગાર્ડનમાં ચંદનના ઘણા વૃક્ષો આવેલા છે. સરદારબાગમાં આશરે 20 થી વધુ ચંદનના વૃક્ષો છે. બજારમાં ચંદનના વૃક્ષની કિંમત લાખો રૂપિયા આપવામાં આવે છે. ચંદનના એક ઝાડને ઉછળતાં ઓછામાં ઓછા દસ વર્ષ થાય છે.