વડોદરાઃ ૨૧ દિવસનું દિવાળી વેકેશન પૂરુ થઈ ગયું છે અને તા.૧૮ નવેમ્બર, સોમવારથી વડોદરા શહેર જિલ્લાની ૫૦૦ કરતા વધારે સ્કૂલોમાં અભ્યાસ કરતા પાંચ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના બીજા સત્રનો પ્રારંભ થશે.સાથે સાથે એમ.એસ.યુનિવર્સિટી અને બીજી ખાનગી કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય શરુ થઈ જશે.આમ વિદ્યાર્થીઓની ચહલ પહલથી શાળાઓ અને યુનિવર્સિટી તેમજ કોલેજોના કેમ્પસ ફરી એક વખત ધમધમતા થઈ જશે.
સ્કૂલોમાં આ વખતે ધો.૧ ૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓનો કોર્સ શિક્ષકોને વહેલી તકે પૂરો કરવો પડશે.કારણકે આ વર્ષથી બોર્ડ પરીક્ષા ફેબુ્રઆરી મહિનામાં લેવામાં આવનાર છે.સાથે સાથે જાન્યુઆરી મહિનામાં અન્ય વિદ્યાર્થીઓની બીજા સત્રની પરીક્ષાઓ અને ધો.૧૦ તેમજ ૧૨ના વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષા પણ યોજાશે.
આમ દિવાળી વેકેશન બાદ હવે બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાની તૈયારી કરવા બે મહિનાનો જ સમય રહ્યો છે.સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોએ બીજા સત્રમાં પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે ઈ કેવાયસી કામગીરી ચાલુ રાખવી પડશે.કારણકે હજી પણ ઘણા વિદ્યાર્થીઓના રેશન કાર્ડ અને બીજા દસ્તાવેજો તૈયાર નથી.
બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીમાં પણ બીજા સત્રનો પ્રારંભ થયા બાદ ગણતરીના દિવસોમાં વિવિધ ફેકલ્ટીઓમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થશે.આમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વેકેશન બાદ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જશે.