VMC News : વડોદરા કોર્પોરેશનની સભામાં રૂપારેલ કાંસનું પાણી ઉનાળો હોવા છતાં કેટલીક જગ્યાએ ગંદકીને કારણે રોકાઇ ગયું હોવાના મુદ્દે ભાજપના વોર્ડ નં-14ના કોર્પોરેટરે રજૂઆત કરી મ્યુનિ.કમિશનરને ચીમકી આપી હતી કે, ‘મુખ્યમંત્રીને તમારે ફરિયાદ કરવી હોય તો કરજો.’
કોર્પોરેટરની ચીમકી શહેરનો પ્રશ્ન છે મુખ્યમંત્રી વચ્ચે લાવવાની જરૂર નથીઃ કમિશનર
જોકે કમિશનરે આ શહેરનો પ્રશ્ન છે મુખ્યમંત્રીને વચ્ચે લાવવાની જરૂર નથી તેમ કહેતા બન્ને વચ્ચે તૂ…તૂ…મે…મે… થતાં સાત મિનિટ મેયરે સભા મુલતવી રાખવી પડી હતી. મેયર, ડે.મેયર તથા અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને ગંદકી દૂર કરી પંપ મુકી પાણીનો નિકાલ કરવા નક્કી થયું હતું. વોર્ડ નં-14ના કોર્પોરેટરે જણાવ્યુ હતું કે, રૂપારેલ કાંસનું પાણી મહાનગર પાસેથી આગળ જતું નથી. ભૂતકાળમાં ત્યાં પંપ મુકીને રસ્તો ક્રોસ કરી પાણી આગળ ઠાલવવામાં આવતું હતું.
આ પણ વાંચો: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓની હડતાળ, યુનિયનના મહામંત્રીને છૂટા કરવાનો આદેશ
આ ઉપરાંત કલાદર્શન સહિત ત્રણ જગ્યાએ સફાઇ કરવા કોર્પોરેશને કાંસ પરના સ્લેબ તોડયા છે. આ ત્રણ સ્થળેથી પણ પાણી આગળ જતું અટકી ગયું છે, જેથી લોકોનો વિરોધ થઇ રહ્યો છે અને સવાલ કરે છે કે, રૂપારેલ કાંસમાં ચોમાસુ નથી છતાં ગટરના પાણી વહે છે, તે અટકાવી શકાતા નથી. કાંસ ભરાયેલો છે, ચોમાસામાં શું પરિસ્થિતિ થશે? આ સામે મ્યુનિ.કમિશનરે સ્પષ્ટતા કરી કે, રૂપારેલ કાંસની સફાઇ અને ઊંડો કરવાની કામગીરીની ટેન્ડર પ્રક્રિયા થઇ ગઇ છે.
ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થઇ જશે. દરમિયાનમાં મહાનગર પાસેનું પાણી પંપથી ઉલેચી ક્યાં નાખવું તે એક પ્રશ્ન છે. કોર્પોરેટરે ફરી ચીમકી આપી કે ભૂતકાળમાં કમિશનરોને લાતો મારીને કાઢ્યા છે. કમિશનરે, ”તમે કહેવા શું માગો છો આવી રીતે વાત કરો છો તે યોગ્ય નથી” એમ કહેતા આ ઉગ્ર મામલો સાત મિનિટ સુધી સામસામે ચાલ્યો હતો. આખરે મેયરને સભા મુલતવી કરવાની ફરજ પડી હતી.
ભૂખી કાંસ મુદ્દે ભાજપ-કોંગ્રેસના સભ્યો આમને સામને
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભૂખી કાંસ ડાયવર્ટ કરવા મુદ્દે કોંગ્રેસ-ભાજપના સભ્યો આમને સામને આવી ગયા હતા અને સામસામે આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે સભા ગૃહના ફલોર પર બેસી જઇ સતત એક કલાક વિરોધ કર્યો હતો. દરમિયાનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા ખાતરી આપવામાં આવતા મામલો શાંત પડયો હતો.
ભૂખી કાંસ પર સૂર્યા ફલેટની મંજૂરી કોણે આપીઃ ભાજપ
વોર્ડ નં-1 ના કોંગ્રેસના એક સભ્યએ ભૂખી કાંસ ડાયવર્ટ કરવા સામે વિરોધ કરતા જણાવ્યું કે, અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. જ્યારે સભામાં પ્રેઝન્ટેશન રજૂ કર્યુ ત્યારે વાંધો લીધો હતો. તેમ છતાં કામ મંજૂર કર્યું. ચોમાસુ નથી છતાં ભૂખી કાંસમાં બારેમાસ પાણી વહે છે. એક મહિલા કોર્પોરેટરે જણાવ્યું કે, જે વિસ્તારમાંથી ભાજપને મત આપ્યા છે તે વિસ્તારમાંથી ભૂખી કાંસ ડાયવર્ટ કરવામાં આવનાર છે જેથી મતદારોને તમે અન્યાય કરી રહ્યા છો. તમારામાં તાકાત હોય તો ભૂખી કાંસનું કામ શરૂ કરીને બતાવજો.
એક સભ્યએ જો કામ શરૂ કરશો તો સૌથી પહેલા જેસીબી મારી પર ફેરવજો તેમ એક સભ્યે ઉગ્ર થતા કહ્યું હતું. પૂર્વ વિપક્ષ નેતાએ જણાવ્યું કે, ભૂખી કાંસ એ અગાઉ નદી હતી. શહેરમાં બહારનું પાણી આવે છે જેથી નદીને ક્યારે પણ શહેરની અંદર ગોળ ગોળ ફેરવી શકાય નહી.
જો કે કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદી હોય કે ભૂખી કાંસ સહિતના વરસાદી કાંસની બંને બાજુ 30 મીટર જમીન ખુલ્લી રાખવા પરિપત્ર જારી કર્યો છે. તેનો અમલ કરવામાં આવતો નથી. પરંતુ પ્રતિબંધિત ઝોન હતા તે પણ હટાવી દેવામાં આવ્યા છે.
ભાજપના વોર્ડ નં-2ના કોર્પોરેટરોએ સંયુક્ત રજૂઆત કરતા જણાવ્યું કે, 1975માં ભૂખી કાંસની બાજુમાં સૂર્યા ફલેટની મંજૂરી કોણે આપી હતી તે તપાસનો વિષય છે. ભૂખી કાંસ પર 12 મીટરનો રસ્તો કોણે નાખ્યો હતો તેવો સવાલ ઊઠાવી કહી કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે સામે એવા આક્ષેપ કર્યા કે ભૂખી કાંસ પર ટ્રાન્સપોર્ટ હબ બન્યું તે કોણે મંજૂરી આપી હતી. જેથી કોંગ્રેસ-ભાજપના સભ્યો વચ્ચે તૂં…તૂં..મેં…મેં…થઇ હતી.