વડોદરા,મોર્નિંગ વોકમાં નીકળેલા સિનિયર સિટિઝનને ઓલ્ડ પાદરા રોડ પર બાઇક ચાલકે ટક્કર મારતા ત્રણ દિવસની સારવાર બાદ તેઓનું મોત થયું હતું.
ઓલ્ડ પાદરા રોડ પર દેવદિપ નગરમાં રહેતા ૬૯ વર્ષના ગિરજાશંકર સમરજીતસિંગ રાજપૂત બી.એસ. એન.એલ.માંથી નિવૃત્ત થયા છે. ગત ૧૪ મી તારીખે સવારે છ વાગ્યે તેઓ નિત્યક્રમ મુજબ ઘરેથી ચાલવા નીકળ્યા હતા. ઓલ્ડ પાદરા રોડ હનુમાનજીના મંદિર સામે જી.ઇ.બી. કોલોની તરફ ચાલતા જતા હતા. તે દરમિયાન અલકાપુરી તરફથી ફૂલ સ્પીડે આવતા બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને પડયા હતા. તેઓને માથાના પાછળના ભાગે અને પગ પર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બાઇક ચાલક અનિલ અરવિંદભાઇ ગોડકીયા (રહે. અર્બન રેસિડેન્સી, ભાયલી) ને પણ ઇજા થઇ હોવાથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ગિરજાશંકરનું મોત થયું હતું. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.