Vadodara : વડોદરામાં ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ ચીજો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી તેની સામે પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
તાજેતરમાં માંજલપુર વિસ્તારમાંથી પોલીસે 1000 નંગ ચાઈનીઝ તુક્કલ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાણીગેટ વિસ્તારમાંથી વધુ એક દુકાનદારને ઝડપી પાડવામાં આવ્યો છે.
પાણીગઢના મહેમાન શોપિંગ સેન્ટરમાં એક દુકાનદાર પાસે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે દુકાનમાંથી રૂ.2.40 લાખની કિંમતની ચાઈનીઝ દોરીના 480 બોક્સ સાથે વેપારી હાફીજ અલી મોહમ્મદ મેમણ (હિના એપાર્ટમેન્ટ આયુર્વેદિક કોલેજ પાસે પાણીગેટ મૂળ રહે મોગલવાડા) ને ઝડપી પાડ્યો હતો.
ચાઈનીઝ દોરીનો આ જથ્થો આજવા રોડ રામપાર્કમાં રહેતા રહીમ ગોલાવાલાએ મોકલ્યો હોવાની વિગતો ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.