વડોદરાઃ ઓનલાઇન ઠગાઇનો ભોગ બનવા જઇ રહેલી માતાને તેના પુત્રએ અભયમની મદદ લઇ છેલ્લી ઘડીએ બચાવી લીધી હતી.
માંજલપુર વિસ્તારની આધેડ વયની મહિલા છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ પર કોઇના સંપર્કમાં હતી.સામે વાળી વ્યક્તિએ મહિલાને સોનાની વીંટી સસ્તામાં આપવાની ઓફર કરી હતી.
વીંટી કુરિયરમાં મોકલવા માટે મહિલા પાસે રૃ.૩૦૦૦ નું પેમેન્ટ માંગવામાં આવ્યું હતું.જેથી મહિલા બેન્કમાં પેમેન્ટ કરવા માટે જતી હતી.પરંતુ તેના ૨૦ વર્ષના પુત્રએ તેને અટકાવી આટલું સસ્તું સોનુ ના મળે તેમ કહી સમજાવી હતી.
મહિલા માનવા માટે તૈયાર નહિ થતાં પુત્રએ અભયમને જાણ કરી હતી.જેથી ઓનલાઇન ઠગો કઇ રીતે સક્રિય હોય છે, આખું બેન્ક બેલેન્સ ખાલી થઇ જતા હોય છે અને ઓનલાઇન ઠગોથી બચવા શું કરવું તે સમજાવતાં મહિલાએ વીંટી ખરીદવાનું માંડી વાળ્યું હતું.