આણંદના ચિખોદરા ખાતે રહેતા સાગર પટેલ નામના યુવકે તેની પત્ની સાથે યુકેમાં વર્ક પરમિટ મેળવવા ઉમરેઠના કાસોર ખાતે વિઝાનું કામ કરતા આકાશ પરેશભાઇ પટેલ નો સંપર્ક કર્યો હતો.આકાશે રૃ.૩૪.૫૦ લાખ લીધા હતા અને ખૂટતા ડોક્યુમેન્ટ થઇ જશે તેમ કહ્યું હતું.
એજન્ટ આકાશે વડોદરાના સુનિલનો મોબાઇલ નંબર આપ્યો હતો.સુનિલે વડોદરામાં યુનિવર્સિટી સામેના કોમ્પ્લેક્સમાં સાગરને બોલાવી રૃ.૩ લાખ લીધા હતા.આ ઉપરાંત સાગરે અલકાપુરીના વિષ્ણુ કાન્તિ આંગડિયા દ્વારા ૨૮લાખ પણ મોકલ્યા હતા.
પરંતુ ત્યારબાદ સાગરના વિઝા રિજેક્ટ થયા હતા.જેથી તેણે તપાસ કરતાં વડોદરાના સુનિલે યુપીના મિરઝાપુરની ગ્લોકલ યુનિ.ની બોગસ માર્કશીટ અને ડીગ્રી સર્ટિફિકેટ મૂક્યા હોવાથી વિઝા રિજેક્ટ થયા હોવાનું જણાયું હતું.જેથી આણંદ રૃરલના પીઆઇ એસ જી સોલંકીએ સુનિલની કોલ્સ ડીટેલ કઢાવીછે.
એજન્ટે કહ્યું તને ઇન્ટરવ્યૂ આપતા નથી આવડયો
સાગરની વિઝા ફાઇલ રિજેક્ટ થતાં તેણે એજન્ટ આકાશને કારણ પૂછ્યું હતું.જેથી આકાશે કહ્યું હતું કે,અમારા તરફથી બધું બરાબર થયું છે.પણ તને ઇન્ટરવ્યૂ આપતા આવડયું નથી.
ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેનાર દેખાતો જ નહતો
યુકેના વર્ક પરમિટના નામે ઠગાઇનો ભોગ બનેલા સાગરે પોલીસને કહ્યું છે કે,મારો ઝૂમ એપ ઉપર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.પરંતુ સામે ઇન્ટરવ્યૂ લેનારનો ચહેરો દેખાતો નહતો.જેથી પોલીસ આ બાબતે પણ તપાસ કરનાર છે.