વડોદરાઃ પોલીસ લોકોની આંખમાં ધૂળ નાંખી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરનાર શહેરની એક સંસ્થાએ પોલીસને દારૃ-જુગાર અને નશાના અડ્ડાઓ પર બૂલડોઝર ચલાવવા કહી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
શહેરમાં ગુનેગારોને છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની કોઇ ધાક રહી નથી તેમ પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યાના બનાવ પરથી જોઇ શકાય છે.વિશ્વામિત્રી બચાવ સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું છે કે,શાસન સર્જિત બાબર જેવા ૧૦૦ જેટલા હિસ્ટ્રીશિટર્સ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
પોલીસની હાજરીમાં થયેલી તપનની હત્યાનો બનાવ અત્યંત દુખદ છે.પોલીસે પાસા હેઠળ પકડેલા હિસ્ટ્રીશિટર્સને ચાલચરિત્ર નું સર્ટિફિકેટ આપનાર ધારાસભ્યોની તપાસ કરાય તો જાણવા મળશે કે ગુનેગારો કેમ ફૂલ્યાફાલ્યા છે.
સમિતિએ કહ્યું છે કે,બે દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં હત્યાનો આરોપી બાબર પઠાણ ઉભો રહી ના શકે તેવી સ્થિતિમાં હતો.બબ્બે પોલીસ તેને પકડી રાખતી હતી.પરંતુ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું ત્યારે તે પોલીસ કરતાં વધુ સ્પીડથી ચાલતો જોવા મળ્યો હતો.નોંધનીય છે કે,પોલીસ દ્વારા બાબર પઠાણના પરિવારને સુરક્ષા આપવામાં આવી છે.