વડોદરા,તમિલનાડુની ટોળકીના કરતૂતોનો ભોગ બનેલી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી રાજેશ ટાવર રોડ પર સરિતા સંગમ સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના ઇલાબેન મુકુંદભાઇ પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૯ મી ડિસેમ્બરે હું તથા મારી દીકરી ડોલી અને જમાઇ નિશીલભાઇ કાર લઇને ઘરેથી નીકળી અલકાપુરી કામ માટે ગયા હતા. કાર વેસ્ટ સાઇડ બિલ્ડિંગના બહારના ભાગે પાર્ક કરી મારી દીકરી અને જમાઇ ગયા હતા.હું ગાડીમાં પાછળની સીટ પર બેઠી હતી. સાંજે સાત વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો. તેણે દરવાજો ખખડાવીને કહ્યું કે, તમારા રૃપિયા નીચે પડી ગયા છે. મેં તેઓને કહ્યું કે, આ રૃપિયા મારા નથી. છતાંય તે વ્યક્તિએ દરવાજો ખેંચીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન અન્ય આરોપીએ કારનો દરવાજો ખોલી મારી દીકરીનું પર્સ ચોરી લીધું હતું. ત્યારબાદ તેઓ ભાગી ગયા હતા. જે બેગમાં મારી દીકરી તથા જમાઇના અસલ પાસપોર્ટ હતા. તેમજ એચ.ડી.એફ.સી. બેન્કના નવા જ ઇશ્યૂ થયેલા બે એ.ટી.એમ. કાર્ડ હતા. સાડા સાત વાગ્યે મારી દીકરી અને જમાઇના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો કે, તેઓના એકાઉન્ટમાંથી દોઢ લાખ ડેબિટ થઇ ગયા છે.