Tapan Parmar Murder Case : વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની આરોપી બાબર પઠાણે હત્યા કરી હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાયેલી છે. શહેરના રાવપુરા વિસ્તારમાં જોગી વિઠ્ઠલદાસની પોળમાં આજે (19 નવેમ્બર) કાચની બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી, પરંતુ હાલ સ્થાનિકોમાં ડરનો માહોલ છે.
તાત્કાલિક પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું
વિઠ્ઠલદાસની પોળની શેરીઓમાં બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન કાચની બોટલો અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી. બીજી તરફ, ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બોટલો ક્યાંથી ફેંકવામાં આવી તેની તપાસ માટે પોલીસે ઘરના ટેરેસ સહિતની જગ્યાઓ પર જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. DCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે આવી પહોંચ્યા છીએ. હાલ કોમ્બિંગની કાર્યવાહી ચાલી રહી છે. અહીં પોઈન્ટ પણ વધારી દેવામાં આવશે. ફરી આવી ઘટના નહીં બને તેનું આશ્વાસન આપીએ છીએ.