વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા તાજેતરમાં લેવાયેલી તમામ પરીક્ષાઓની એક લાખ જેટલી ઉત્તરવહીઓની અધ્યાપકો વેકેશનમાં પણ ચકાસણી કરશે.
કોમર્સ ફેકલ્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે દિવાળી વેકેશન શરુ થયું તેના પહેલાના એક મહિના દરમિયાન ૧૭ જેટલી પરીક્ષાઓ લેવાઈ હતી.જેમાં એફવાય, એસવાય, ટીવાય અને એમકોમની ઈન્ટરનલ પરીક્ષાઓ સાથે રિપિટર વિદ્યાર્થીઓની ૭૦ માર્કની એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓનો પણ સમાવેશ થતો હતો.લગભગ ૧૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા.
પરીક્ષાઓ પૂરી થયા બાદ ગણતરીના દિવસોમાં જ વેકેશન શરુ થઈ ગયું છે ત્યારે કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકોએ વેકેશનમાં પણ ઉત્તરવહીઓની ચકાસણી કરવા માટે સંમતિ દર્શાવી છે.આમ વેકેશનમાં એક લાખ જેટલી ઉત્તરવહીઓની અધ્યાપકો ચકાસણી કરશે.
સૂત્રોનું કહેવું છે કે, વેકેશન પૂરુ થયા બાદ તા.૧૮ થી ૨૨ નવેમ્બરમાં જ તમામ ઉત્તરવહીઓની ચકાસણી પૂરી કરી દેવાશે.એફવાય અને એસવાયની ઈન્ટરનલ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓ પણ પાછી અપાશે.છેલ્લા ચાર વર્ષથી ઈન્ટરનલની ઉત્તરવહી વિદ્યાર્થીઓને પાછી આપવાની બંધ થયેલી પ્રથા ફરી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.
જ્યારે વેકેશનમાં ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી થઈ જવાના કારણે રિપિટર વિદ્યાર્થીઓને તેમનુ પરિણામ વહેલું મળશે તેવી આશા છે.જોકે રિપિટર વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરવા માટે ફેકલ્ટી સત્તાધીશોએ મોકલેલા અધ્યાપકોના નામને યુનિવર્સિટી દ્વારા હજી મંજૂરી મળી નથી.