Updated: Jan 6th, 2024
વડોદરા,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ છેલ્લા બે મહિનાથી શહેરમાં ચારે બાજુએથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આજે તરસાલી વિસ્તારના વોર્ડ નં. 16, 17, 19 ના વિવિધ વિસ્તારના મેઇન રોડ સહિત આંતરિક રસ્તે તથા શાક માર્કેટ આસપાસના દબાણો દૂર કરવા કાર્યવાહી કરી હતી. તેમજ વડોદરામાં યોજાનાર મેરેથોન દોડના રૂટ ઉપર જે હંગામી દબાણો હતા તે પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય વખતથી આ વિસ્તારમાં થયેલા દબાણોના કારણે મેઇન રોડ સાંકડો થઈ જતા અકસ્માતના વારંવાર બનાવો સહિત તકરારો રોજિંદી થવા માંડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છેલ્લા દોઢથી પોણા બે મહિનાથી ખૂબ જ એક્ટિવ થઈ છે અને રોજિંદા દબાણ હટાવ કાર્યક્રમ શરૂ કરાયા છે. દરમિયાન ગઈકાલે મચ્છીપીઠ નાગરવાડા વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. પરંતુ સમી સાંજે તમામ ગેરકાયદે દબાણો પુન: લાગી ગયા હતા. આવી જ રીતે ઘેર ઘેર થી હંગામી દબાણો દૂર કરાય છે પરંતુ દબાણ શાખાની ટીમ ઘટના સ્થળેથી આગળ જાય કે તરત જૈશે થે જેવી સ્થિતિમાં યથાવત ગોઠવાઈ જાય છે. હંગામી દબાણો ફરી એક વખત મૂળ સ્થિતિમાં આવી જતા પાલિકાની દબાણ શાખાની ટીમની કાર્યવાહી લગભગ માથે પડતી હોય છે. તરસાલી વિસ્તારમાં આવેલી શાક માર્કેટની આજુબાજુના વિસ્તારમાં થયેલા હંગામી દબાણોના કારણે રોડ રસ્તા અને ગલીઓ સાંકડા થઈ જવાના કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને ઊભી થતી હતી અને તકરારના રોજિંદા દ્રશ્યો જોવા મળતા હતા. આ વિસ્તારમાં વોર્ડ નં.16, 17 અને 19 ના વિસ્તારમાં સ્થાનિક પોલીસની ટીમ સાથે પાલીકાની દબાણ શાખાની ટીમ સાથે પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાંથી તમામ હંગામી દબાણો લારી ગલ્લા શેર તથા પથારાના દબાણો દબાણ શાખા એ હટાવીને એકાદ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
આ ઉપરાંત વડોદરામાં આવતીકાલે મેરેથોન દોડનો કાર્યક્રમ હોવાથી મેરેથોન દોડના રૂટ પરના રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો પણ દબાણ શાખાની ટીમે હટાવ્યા હતા.