Updated: Jan 3rd, 2024
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ટેકસટાઈલ ફેક્ટરીમાં કાપડ પ્રોડક્શન દરમિયાન નીકળતા વેસ્ટનો ઉપયોગ કરીને શૂઝ મુકવા માટેના બોકસ(સ્નીકર્સ ક્રેટ)બનાવવામાં સફળતા મેળવી છે.
આ સંશોધનથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન સેલ દ્વારા તેને આગળ વધારવા માટે નાણાકીય સહાય આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગ વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થી પ્રતિક કોરડિયાએ અધ્યાપક ડો.આધાર મંડોતના હાથ નીચે આ ઈનોવેશન પર કામ કર્યુ છે.પ્રતિકનુ કહેવુ છે કે, યંગસ્ટર્સમાં સ્નીકર્સ ક્રેટનો ભારે ક્રેઝ છે.આ ક્રેટ શૂઝ મુકવા માટે વપરાય છે.પરંપરાગત રીતે પ્લાસ્ટિક મટિરિયલમાંથી બને છે અને મોટાભાગે ચીનથી આયાત કરવામાં આવે છે.અમે પ્લાસ્ટિકની જગ્યાએ ટેક્સટાઈલ ફેક્ટરીમાંથી નીકળતા વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરીને સ્નીકર્સ ક્રેટ બનાવી છે.જે ઈકો ફ્રેન્ડલી તો છે જ અને સાથે તેને રિસાયકલ પણ કરી શકાય છે.
વિદ્યાર્થીના ગાઈડ ડો.મંડોતનુ કહેવુ છે કે, મજબૂતાઈમાં પણ તે પરંપરાગત શૂઝ બોક્સની ગરજ સારે છે.મહત્વની વાત એ છે કે તેને બનાવવા માટે રો મટિરિયલની ખોટ પડે તેમ નથી.કારણકે ટેક્સટાઈલ ફેકટરીઓમાં કાપડ બનાવવાની પ્રક્રિયામાં કોટન સહિત જે પણ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેમાં ૧૦ ટકા જેટલો વેસ્ટ તો નીકળતો જ હોય છે.ઉપરાંત વેસ્ટમાંથી બનતા શૂઝ બોકસ માર્કેટમાં જે પરંપરાગત બોક્સ મળે છે તેના કરતા ૨૫ થી ૩૦ ટકા સસ્તામાં બની શકે તેમ છે.આ ઈનોવેશન માટે અમે પેટન્ટ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવાના છે.